આઇપીએલ ડાયરી: ટીમ ઇન્ડિયા બાદ IPLમાં ચાર ટીમે ‘યો યો ટેસ્ટ’ ફરજિયાત બનાવી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવવા માટે જેમ યો યો ટેસ્ટ ફરજિયાત છે તેવી જ રીતે હવે આઇપીએલમાં પણ કેટલીક ફ્રેંચાઇઝીએ યો યો ટેસ્ટ ફરજિયાત બનાવી દીધી છે. IPL ટીમો પણ ફિટનેસને લઈને ગંભીર દેખાઈ રહી છે. હવે ફ્રેન્ચાઈઝી કોઈ પણ કિંમતે પોતાના ખેલાડીઓની ફિટનેસ સાથે સમજૂતી કરવાના મૂડમાં નથી.

IPLમાં પણ ટીમ ઇન્ડિયાની જેમ જ યો-યો ટેસ્ટ લેવામાં આવશે. ગત વર્ષે BCCIએ ખેલાડીઓની ફિટનસે જાણવા માટે આ ખાસ યો યો ટેસ્ટને ફરજિયાત કરી દીધી હતી. કુલ ચાર ફ્રેંચાઇઝીએ પોતાના ખેલાડીઓ માટે યો યો ટેસ્ટ ફરજિયાત કરી દીધી છે.

અહેવાલો અનુસાર મુંબઈ ઇન્ડિયન્સે યો યો ટેસ્ટને લાગુ પણ કરી દીધી છે. મુંબઈ ઇન્ડિયન્સે થોડા દિવસ પહેલા જ મુંબઈની બહાર ખેલાડીઓની ફિટનેસની ચકાસણી કરી હતી. આ યો યો ટેસ્ટમાં મુંબઈ ઇન્ડિયન્સ મેનેજમેન્ટે ખેલાડીઓને ૧૪.૫ સેકન્ડનું લેવલ હાંસલ કરવાનું ટાર્ગેટ આપ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ ઉપરાંત વિરાટ કોહલીના નેતૃત્વવાળી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સે પણ પોતાના ખેલાડીઓ માટેની આ યો યો ફિટનેસ ટેસ્ટ ફરજિયાત કરી છે. જ્યારે સરનાઈઝર્સ હૈદ્રાબાદ, કોલકાતા નાઈટ રાઈડર્સ, દિલ્હી ડેરડેવિલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પોતાના ખેલાડીઓ માટે પરંપરાત ફિટનેસ ટેસ્ટ લેવાનું નક્કી કર્યું છે.

શું છે યો યો ટેસ્ટ?
યો યો ટેસ્ટ માટે ખેલાડીએ ખુદને વ્યવસ્થિત રીતે સ્પીડ કરવાની જરૂર હોય છે. આમાં ખેલાડીએ અલગ અલગ રીતે દોડવું, નિશ્ચિત સમયમાં દોડવું અને નિશ્ચિત સમયમાં દોડ પૂરી કરવાની હોય છે. આ પરીક્ષણ બાદ ખેલાડીને સ્કોર આપવામાં આવે છે. નવા ખેલાડી માટે બેઝિક સ્કોર કરવો ફરજિયાત હોય છે. યો યો સ્કેલ પર સ્કોર ૧૬.૧ હોવો જોઈએ.

ખેલાડીઓની ફિટનેસ પારખવા માટે યો યો ટેસ્ટ ‘બિપ’ ટેસ્ટનું એડ્વાન્સ વર્ઝન છે. ૨૦-૨૦ મીટરના અંતરે બે લાઇન બનાવીને કોન રાખી દેવામાં આવે છે. એક છેડેની લાઇન પર ખેલાડીનો પગ પાછળની તરફ હોય છે અને તે બીજી તરફ દોડવાનું શરૂ કરે છે. દરેક મિનિટ બાદ ઝડપ વધારવાની હોય છે અને જો ખેલાડી સમયસર લાઇન પર ના પહોંચી શકે તો તેણે બે બિપ્સની અંદર લાઇન સુધી પહોંચવાનું હોય છે. જો ખેલાડી આવું કરવામાં નિષ્ફળ રહે તો તેને ફેઇલ માનવામાં આવે છે. ૧૯૯૦ના દાયકામાં મોહંમદ અઝહરુદ્દીન, રોબિનસિંહ અને અજય જાડેજાને બાદ કરતાં અન્ય ખેલાડીઓનો ૧૬-૧૬.૫નો સ્કોર કરવાનો રહેતો હતો.

You might also like