પ્રથમ T-20 માં આ રહ્યાં ટીમ ઇન્ડિયાની જીતનાં ચાર કારણ

જોહાનિસબર્ગઃ વન ડે શ્રેણી જીત્યા બાદ સફળતાના ઘોડા પર સવાર ટીમ ઇન્ડિયાએ ગઈ કાલે યજમાન દક્ષિણ આફ્રિકાને પ્રથમ ટી-૨૦માં પણ રગદોળી નાખ્યું. પહેલી બેટિંગ કરતાં ભારતીય ટીમે ૨૦૩ રનનો પહાડ જેવો સ્કોર ખડક્યો. ત્યાર બાદ દક્ષિણ આફ્રિકાને આ લક્ષ્ય સુધી પહોંચે તે પહેલાં જ સમેટી દીધું.

વન ડે શ્રેણીની જેમ આફ્રિકાની આખી ટીમ ભારતીય ટીમ સામે નવા નિશાળિયા જેવી નજરે પડી. બિનઅનુભવી ટીમને પ્રથમ મેચમાં જ પરાજયનો સામનો કરવો પડ્યો. ટી-૨૦માં એમ પણ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ સારો રહ્યો છે. આ મેચ પહેલાં ૧૦ મેચમાંથી ટીમ ઇન્ડિયાએ છ મેચમાં વિજય મેળવ્યો હતો.

ગઈ કાલની જીતનાં આ ચાર કારણ સૌથી મહત્ત્વનાં રહ્યાંઃ
ભુવનેશ્વરકુમારની કાતિલ બોલિંગઃ વન ડે શ્રેણીમાં અપેક્ષિત પ્રદર્શન નહીં કરી શકેલા ફાસ્ટ બોલર ભુવનેશ્વરે ફરી એક વાર બતાવી આપ્યું કે તેને હાલનો ક્રિકેટની દુનિયાનો સૌથી શાનદાર બોલર શા માટે કહેવામાં આવે છે. ભુવી ઇનિંગ્સની શરૂઆતમાં સફળતા અપાવ્યા બાદ અંતિમ ઓવરોમાં સૌથી ખતરનાક રહ્યો. ગઈ કાલે ભુવીની એક ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ પડી, જેમાંથી એક રનઆઉટના રૂપમાં હતી. ભુવીએ ચાર ઓવરમાં ૨૪ રન આપીને પાંચ વિકેટ ઝડપી. આવી કમાલ કરનારો યુઝવેન્દ્ર ચહલ બાદ ભુવનેશ્વર દુનિયાનો બીજા નંબરનો બોલર બની ગયો.

શિખરની તોફાની બેટિંગઃ ટીમ ઇન્ડિયા તરફથી ફરી એક વાર શિખર ધવને બતાવી આપ્યું કે તે કેટલા શાનદાર ફોર્મમાં છે. શરૂઆતમાં તે થોડું ધીમું રમ્યો, પરંતુ ટીમ ઇન્ડિયાને રોહિત અને વિરાટના રૂપમાં બે ઝટકા લાગ્યા બાદ તેણે ખભા ખોલ્યા અને શાનદાર બેટિંગ કરી. પહેલાં તેણે ફક્ત ૨૭ બોલમાં જ અર્ધસદી પૂરી કરી લીધી. ત્યાર બાદ કુલ ૩૯ બોલમાં ૭૨ રનની તોફાની ઇનિંગ્સ રમી. તેની એ ઇનિંગ્સની જ કમાલ હતી કે ટીમ ઇન્ડિયાએ પહેલી વાર દક્ષિણ આફ્રિકા સામે ૨૦૩ રનનો સ્કોર ખડક્યો. આ પહેલાં ટીમ ઇન્ડિયા ક્યારેય પણ દક્ષિણ આફ્રિકા સામે ૨૦૦ રનનો સ્કોર ટી-૨૦ ક્રિકેટમાં નોંધાવી શકી નહોતી.

રનરેટ જાળવી રાખ્યોઃ ગઈ કાલે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની પ્રથમ ટી-૨૦માં ટીમ ઇન્ડિયાને સમયાંતરે ઝટકા લાગતા રહ્યા,
પરંતુ ભારતના બેટ્સમેનોએ પોતાનો રનરેટ ઓછો થવા દીધો નહીં. તેઓએ જ્યારે પણ તક મળી, બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર મોકલી આપ્યો. ફક્ત સુરેશ રૈના અને શિખર ધવન વચ્ચે એક વાર ૫૦ રનથી વધુની ભાગીદારી નોંધાઈ, પરંતુ ટીમના બેટ્સમેનોએ રનરેટ ધીમો પડવા દીધો નહીં.

દક્ષિણ આફ્રિકાની ખરાબ ફિલ્ડિંગ-બોલિંગઃ ગઈ કાલે ભારતના બેટ્સમેનોએ જેટલી તોફાની બેટિંગ કરી, આફ્રિકાની ટીમે એટલી જ ખરાબ ફિલ્ડિંગ કરી અને બોલિંગ પણ લાઇન-લેન્થ વિનાની કરી. ભારતીય બેટ્સમેનોએ કુલ ૨૦ ચોગ્ગા અને સાત છગ્ગા ફટકાર્યા, જ્યારે દક્ષિણ આફ્રિકાના ફિલ્ડરોએ ગઈ કાલની મેચમાં ચાર કેચ પડતા મૂક્યા, જેમાં શિખર ધવન, વિરાટ કોહલી અને મનીષ પાંડેના કેચ સામેલ હતા. દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોએ ક્રિકેટના આ સૌથી નાના ફોર્મેટમાં પણ ૧૧ એક્સ્ટ્રા રન આપ્યા.

You might also like