ટિકિટ પર મોદીની તસવીર છપાતાં રેલવેના ચાર અધિકારીઓ સસ્પેન્ડ

(એજન્સી) નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં પ્રચારને લઇને ચૂંટણી પંચ દિન પ્રતિદિન કડક વલણ અખત્યાર કરી રહ્યું છે. સોમવારે કેટલાય નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ મૂકયા બાદ ચૂંટણી પંચની સખ્તાઇની અસર વર્તાવા લાગી છે. ટ્રેનની ટિકિટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છાપવા બદલ રેલવેએ ચાર અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ચૂંટણી પંચે આ તસવીરને લઇને રેલવે વિભાગને નોટિસ ફટકારી હતી.

રેલવે મંત્રાલયનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર ગંગા-સતલજ એકસપ્રેસના થર્ડ એસીની ટિકિટ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર છપાયેલી હતી. આ ટ્રેન બારાબંકીથી વારાણસી જઇ રહી હતી. ત્યાર બાદ આ મુદ્દે બબાલ થતાં ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી.

આ ફરિયાદના આધારે ચૂંટણી પંચે રેલવેને નોટિસ ફટકારી હતી અને હવે રેલવેએ પોતાના કર્મચારીઓ પર કાર્યવાહી કરીને ચારને સસ્પેન્ડ કરી દીધા છે. રેલવે ટિકિટ પર વડા પ્રધાન આવાસ યોજનાની એડ છપાયેલી હતી.

રેલવે બોર્ડે જૂની ટિકિટ રોલનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો છે. રેલવે ટિકિટ પર પીએમ મોદીની તસવીર ઉપરાંત મૈં ભી ચોકીદાર છાપેલા કપમાં ચા આપવામાં આવતી હતી અને આ અંગે ફરિયાદ થતાં ચાના કપ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

You might also like