બારામુલ્લામાં IED બ્લાસ્ટઃ ચાર પોલીસકર્મીઓ શહીદ

શ્રીનગર, શનિવાર
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં એક આઈઈડી બ્લાસ્ટમાં ચાર પોલીસકર્મીઓ શહીદ થયા છે. અહેવાલો અનુસાર આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ આઈઈડી બ્લાસ્ટમાં બે લોકો ગંભીર પણ ઘાયલ પણ થયેલ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં આજે સવારે આ બ્લાસ્ટ થયો હતો. આઈઈડી બ્લાસ્ટ અંગે જાણકારી આપતા જમ્મુ-કાશ્મીરના ઈન્સ્પેક્ટર જનરલ મુનિરખાને જણાવ્યું હતું કે બારામુલ્લા જિલ્લાના સોપોરમાં આવેલી ગોલ માર્કેટમાં આ બ્લાસ્ટ કરવામાં આવતા ત્રણ દુકાને પણ નુકસાન પહોંચ્યુ છે.

આતંકીઓએ એક દુકાન નીચે જ આઈઈડી પ્લાન્ટ કરી હતી. આઈઈડી બ્લાસ્ટની ઘટના બાદ લશ્કર, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના તમામ અધિકારીઓ અને જવાનો સ્થળ પર પહોંચી ગયા હતા. પ્રારંભિક અહેવાલ અનુસાર આ ઘટના પાછળ આતંકીઓની કોઈ મોટી સાજિશ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આઈઈડી બ્લાસ્ટની ઘટના બાદ સેના અને પોલીસની ટીમો દ્વારા સોપોર સહિત ઉત્તર કાશ્મીરના કેટલાય વિસ્તારોમાં જોરાદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ બ્લાસ્ટ સોપોરની મેઈન ગોલ માર્કેટમાં થયો હતો. એવું કહેવાય છે કે જે દુકાન નીચે આઈઈડી પ્લાન્ટ કરવામાં આવી હતી ત્યાં પોલીસકર્મીઓ આવવાના છે એવી બાતમી આતંકીઓ પાસે હતી. એવું માનવામાં આવે છે કે આ બ્લાસ્ટ રિમોટ કન્ટ્રોલથી કરવામાં આવ્યો હતો.
મેઈન માર્કેટમાં આઈઈડી બ્લાસ્ટ થવાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ બાદ લોકો સલામત સ્થળે ભાગતા નજરે પડ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ- કાશ્મીરમાં આ અગાઉ પણ કેટલીય વખત પોલીસકર્મીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. ૨૦૧૭માં કાશ્મીર ખીણમાં તમામ જિલ્લાઓમાં આતંકીઓ દ્વારા પોલીસ પેટ્રોલિંગ ટીમને નિશાન બનાવવામાં આવી હતી. આ ઉપરાંત દક્ષિણ કાશ્મીરમાં કેટલાય જિલ્લામાં પોલીસ કેમ્પો પર આત્મઘાતી હુમલા કરાયા હતા.

You might also like