ચારનો ગળાફાંસોઃ યુવાન સળગી મર્યોઃ યુવતીનો એસિડ પી અાપઘાત

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના છ બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે મેમ્કો વિસ્તારમાં વણઝારાવાસ ખાતે રહેતા મોહન મોતીજી મેઘવાળ નામના યુવાને કામકાજ મળતું ન હોવાથી ડિપ્રેશનમાં અાવી જઈ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બાપુનગરમાં બસસ્ટેન્ડ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેતા મૂકેશ પૂનમભાઈ પટણી નામના ૨૭ વર્ષના યુવાને પણ અગમ્ય કારણસર મોડી રાતે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. સરદારનગરમાં અાવેલી અાનંદપાર્ક સોસાયટી ખાતે રહેતી દિપા જગદીશભાઈ ડાભી નામની ૧૯ વર્ષની યુવતીએ પણ અંગત કારણસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે વટવા જીઅાઈડીસી વિસ્તારમાં બ્રિજના છેડે પ્લોટ નં. ૧૦૪૨ ખાતે બાબુભાઈ ગંભીરજી ઠાકોર (ઉ.વ.૪૫)એ પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું.

અા ઉપરાંત કુબેરનગરમાં જનતાનગર ખાતે રહેતા કનુભાઈ ડાહ્યાભાઈ મારવાડી નામના યુવાનની પત્ની રિસાઈને ચાલી જતાં મનમાં લાગી અાવવાથી કનુભાઈએ જાતે સળગી જઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. તથા નિકોલમાં ખોડિયારનગર ખાતે અાવેલા પાટણનગરમાં રહેતી નેહા ગોવિંદભાઈ પટણી નામની ૨૦ વર્ષની યુવતીએ માનસીક બીમારીથી કંટાળી જઈ એસિડ પી લેતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

You might also like