વડોદરામાં પરપ્રાંતીયો અને સ્થાનિકો વચ્ચે પથ્થરમારો-તોડફોડ: ચાર વ્યક્તિને ઈજા

અમદાવાદ: રાજ્ય સરકાર અને પોલીસતંત્ર એક તરફ પરપ્રાંતીયો પર થતા હુમલાઓ બંધ થઇ ગયા હોવાની અને કોઈ ભયનો માહોલ ન હોવાની વાત કરે છે, પરંતુ હજુ રાજ્યમાં છૂટાછવાયા બનાવો સતત બની રહ્યા છે.

ગઈ કાલે રાતે વડોદરાના ન્યૂ વીઆઇપી રોડ પર આવેલ ખો‌ડિયારનગરના વુડાના મકાનોમાં સ્થાનિક રહીશો અને પરપ્રાંતીયો સામસામે આવી જતાં ભારે પથ્થરમારો થયો હતો, જેમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ચાર વાહનોની તોડફોડ કરાઇ હતી.

બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અ‌િધકારી સહિતના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લઈ તોફાનીઓની ધરપકડની તજવીજ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ ન્યૂ વીઆઈપી રોડ પર ખો‌ડિયારનગર પાસે આવેલા વુડાના મકાનોની સામે આવેલી પાણીપૂરીની લારી પર ખાવા આવેલ સુનીલ રબારી નામનાે યુવક દારૂ પીધેલી હાલતમાં હોય અને તેના દ્વારા ઝઘડો કરીને લારી ઊંધી વાળી દેવામાં આવી હતી, જેના પગલે બંને પક્ષો પોલીસ મથકમાં ફરિયાદ માટે ગયા હતા.

દરમિયાનમાં વુડાના મકાનની સામે રહેતા પરપ્રાંતીયો દ્વારા એક મહિલાના ગળા પર તલવાર મૂકી દેવાની ઘટના બાદ બંને જૂથના ટોળા સામસામે આવી ગયાં હતાં. સ્થાનિક રહીશો અને પરપ્રાંતીયો દ્વારા ભારે પથ્થરમારો કરાયો હતો અને ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી.

પથ્થરમારામાં ચાર જેટલા લોકોને માથામાં અને હાથ પર ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. ટોળાએ ત્રણ ટેમ્પા સહિત એક કારના કાચ તોડી નાખ્યા હતા.

ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લઇ ચાર વ્યકતિઓની અટકાયત કરી હતી. પોલીસે મોદી રાત સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું. આ મામલે પોલીસે ટોળા સામે રાયો‌ટિંગ, તોડફોડ સહિતનો ગુનો નોંધી ધરપકડની કર્યવાહી શરૂ કરી છે.

You might also like