ટ્રાફિક નિયમન કરી રહેલી પોલીસ ટીમ પર મહિલાઓ સહિત ચાર લોકોનો હુમલો

અમદાવાદ: શહેરમાં આડેધડ પાર્કિંગ કરનારા અને રોડ પર દબાણ કરી ટ્રાફિકજામ કરતા લોકોની સામે પોલીસે ઝુંબેશ શરૂ કરી છે. પોલીસ દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ આ કાર્યવાહી દરમ્યાન પોલીસ અને દબાણ કરનારા લોકો વચ્ચે મારામારી અને ઘર્ષણના બનાવો પણ બન્યા છે.

ગઈકાલે સાંજે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા મોડા દેવાના વાસ પાસે રોડ પર દબાણ અને ટ્રાફિક નિયમનની કામગીરી કરવા ગયેલી ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલાનો બનાવ બન્યો છે. બે મહિલા સહિત ચાર લોકોએ પોલીસ કર્મીને હાથ પર બોથડ પદાર્થ મારી અને ઝપાઝપી કરી હતી. નવરંગપુરા સીજી રોડ પર પણ રોડ પર મર્સીડિઝ કાર પાર્ક કરતાં પોલીસે કારચાલકને કાર હટાવવાનું કહેતાં પોલીસ સાથે બોલાચાલી કરી હતી. પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે.

પોલીસ આડેધડ પર્કિંગ કરનારા લોકો સામે દરરોજ કાર્યવાહી કરી રહી છે. જેના પગલે ગઈ કાલે સાંજે ગુજરાત યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ બંસીભાઇ અન્ય પોલીકર્મીઓ સાથે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલા મોડા દેવાના વાસ પાસે રોડ પર દબાણ અને ટ્રાફિક નિયમનની કામગીરી કરવા માટે ગયા હતા.

મોડા દેવાના વાસ પાસે ગણેશ ભગવાનની મૂર્તિઓ અને અન્ય સામાન રોડ પર મૂકી દેવામાં આવ્યો હતો. બંસીભાઇ અને અન્ય કર્મીઓએ ત્યાંના લોકોને આ સામાન રોડ પરથી હટાવી લેવાનું કહ્યું હતું. જેથી ત્યાંના કેટલાક લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી.

પોલીસ સાથે બોલાચાલી કરી રમેશભાઈ કાનાભાઇ, જગદીશભાઈ, જમનાબહેન અને વર્ષાબહેન જગદીશભાઈએ પોલીસ સાથે મારામારી કરી હતી. બંસીભાઇને હાથના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી ઇજા કરી હતી. હાજર અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે પડતાં તેઓ સાથે પણ ઝપાઝપી કરી હતી. બનાવના પગલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ પર હુમલો કરનાર ચારેય ફરાર થઇ ગયા હતા. બંસીભાઇની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ ગુનો નોંધી આરોપીને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

બીજા બનાવમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ સ્ટાફ સાથે નવરંગપુરા વિસ્તારમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે નીકળ્યા હતા. સીજી રોડ પર રાજુ જાપાન નામની દુકાન પાસે એક મર્સીડિઝ કાર ટ્રાફિકમાં અડચણરૂપ પડી હોવાથી પોલીસે કારચાલકને કાર હટાવી અને પાર્કિંગમાં મૂકવા જણાવ્યું હતું.

કારચાલકે પોલીસને બીજી કાર હટાવતા નથી અને મારી કાર હટાવો છો. તમે મને ઓળખો છો , હું કોણ છું ? મારી ગાડી હટશે નહિ, તમારાથી થાય એ કરી લો તેમ કહી પોલીસ સાથે ઘર્ષણમાં ઊતર્યા હતા. પોલીસે કારચાલકનું નામ પૂછતાં મહાવીર સાવંતરાજ કાંકરિયા (ઉ.વ.૪૦, રહે. સદભાવ સોલિટર, ઘોડાકેમ્પ રોડ, શાહીબાગ) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે પોલીસ સ્ટેશન આવવાનું કહેતા તેઓએ ના પડી અને કારમાં બેસી ગયા હતા. જેથી પોલીસે બળજબરી કરી તેઓને પોલીસ સ્ટેશન લઇ જવાની ફરજ પડી હતી. પોલીસે મહાવીર સામે ગુનો નોંધી તેમની ધરપકડ
કરી હતી.

You might also like