શામ કે ચાર બજે યહીં પે મિલ મેં તેરે કો દિખાતા હૂં

અમદાવાદ: શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓએ વાહન પાર્ક કરવા બાબતે એક દુકાનદારને પંચ વડે હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

મણિનગર વિસ્તારમાં આવેલ સિદ્ધાર્થ એપાર્ટમેન્ટમાં રહેતા વૈભવભાઇ સંજયભાઇ જાદવે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં હુમલો કરવા અંગે ફરિયાદ કરી છે. વૈભવભાઇ મણિનગર વિસ્તારમાં આવેલી મુક્ત જીવન સ્કૂલની બાજુમાં સાઉન્ડ સિસ્ટમની દુકાન ધરાવે છે. ગઇ કાલે બપોરે 12 વાગ્યાની આસપાસ વૈભવભાઇ દુકાન બંધ કરીને તેમના ઘરે જતા હતા ત્યારે મુક્તજીવન સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી તેમની દુકાન પાસે વાહન પાર્ક કરતા હતા.

વૈભવભાઇએ વાહન પાર્ક કરવાનો ઇનકાર કરતાં બે વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી ઉશ્કેરાયો હતો અને શામ કો ચાર બજે યહીં પે મિલના મેં તેરે કો દિખાતા હૂં તેમ કહીને મોઢા પર પંચ માર્યો હતો. તેની સાથે રહેલા અન્ય એક વિદ્યાર્થીએ પણ વૈભવભાઇને ફેંટો મારવાનું શરૂ કર્યુ હતું. વૈભવભાઇની આંખ પાસેથી લોહી નીકળતાં બંને વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભાગી ગયા હતા. વૈભવભાઇ પણ તેમની પાછળ ગયા હતા જ્યાં સ્કૂલના સંચાલકોએ તેમને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. ઇસનપુર પોલીસે બંને વિદ્યાર્થીઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વૈભવભાઇએ અગાઉ વાહન પાર્ક કરવા બાબતે વિદ્યાર્થીઓને ટોક્યા હતા જેની અદાવત રાખીને ગઇ કાલે વિદ્યાર્થીઓ પંચ લઇને આવ્યા હતા.

You might also like