ટ્રેનમાં મુસાફરો માટે વધુ ચાર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી

અમદાવાદ: દેશભરમાં ટ્રેનમાં દરરોજ લાખો યાત્રિકો પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાન અને સ્ટેશન પર યાત્રિકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઘણા કડવા અનુભવ થાય છે. સુવિધા-સવલત, મેડિકલ-સાફસફાઈ, સ્ટેશન પર સામાન ચોરી કે પછી અન્ય મુશ્કેલી અને ટ્રેનમાં ફેરફાર થવા જેવી ઘણી મુશ્કેલીઓનો યાત્રિકોએ સામનો કરવો પડતો હોય છે ત્યારે રેલવે વિભાગ દ્વારા યાત્રિકોઓને પડતી મુશ્કેલીઓના નિવારણ માટે ચાર હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે, જેમાં યાત્રિકો હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરી શકે છે.

ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રિકોને પડતી મુશ્કેલી નિવારવા માટે રેલવે વિભાગે ચાર હેલ્પલાઈન જાહેર કરી છે, જેમાં યાત્રિક ફોન કરીને જરૂરી સુવિધા-સવલત મેળવી શકે છે. રેલવે મુસાફરી દરમિયાન અથવા રેલવે સ્ટેશન પર ગુનાઇત પ્રવૃત્તિ અને મેડિકલ સહાય, પીએનઆર સ્ટેટસ જાણવા કે કોચમાં સફાઈ બાબતે ફરિયાદ કરવી હોય તો જાહેર કરેલ ચાર હેલ્પલાઈન નંબર પર યાત્રિક ફરિયાદ કરી શકે છે.

ટ્રેનના સમયમાં ફેરફાર થયો હોય તો તેની જાણ સામાન્ય રીતે યાત્રિકને એસએમએસ દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ તે છતાં યાત્રિકને ટ્રેનના સાચા સમયની ખાતરી કરવા માટે અને પીએનઆરનું સ્ટેટસ જાણવા માટે રેલવેએ જાહેર કરેલી રક્ષણ માટે ૧૮ર, મેડિકલ સેવા માટે ૧૩૮, પીએનઆર માટે ૧૩૯, કોચમાં સફાઈ બાબતે પ૮૮૮૮ હેલ્પલાઈનની મદદ લઇ શકે છે.

ટ્રેનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા માટેની હેલ્પલાઇન જેવી કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન કે રેલવે સ્ટેશન પર યાંત્રિકને કોઈ પણ પ્રકારની સુરક્ષા સંબંધિત સમસ્યા ઊભી થાય તો મુસાફર ૧૮ર નંબરની હેલ્પલાઇન પર ફરિયાદ કરી શકે છે. જ્યારે યાત્રિકોને મુસાફરી દરમિયાન ઈમર્જન્સી તબીબી સેવાની જરૂર પડે તો અથવા ભોજન, સાફસફાઈ અને કોચ મેન્ટેનન્સ જેવી બાબતો માટે ૧૩૮ નંબર પર સેવા મેળવી શકે છે.

યાત્રિકો જે ટ્રેનમાં મુસાફરી કરવાના છે તેના સમયમાં ફેરફાર થાય ત્યારે ટ્રેન આવવાનો અને ઉપાડવાનો સાચો સમય જાણવા માટે થતા પીએનઆર સ્ટેટસ અંગેની માહિતી ૧૩૯ પર મેળવી શકે છે. કોચમાં સાફસફાઈ માટે પ૮૮૮૮નંબર ડાયલ કરવાથી મદદ મળશે અને આ નંબર પર સ્પેસ પીએનઆર નંબર લખી એસએમએસ કરવાથી ગણતરીની મિનિટોમાં જ કોચ સાફ થઇ જશે.

You might also like