ચાર માસ પહેલાં પ્રેમલગ્ન કરનાર યુવાનની નદીમાંથી લાશ મળીઃ હત્યા કે આત્મહત્યા?

શહેરના ચાંદલો‌િડયા વિસ્તારમાં રહેતા પૂજારીનો પુત્ર બે દિવસ પહેલાં રહસ્મય રીતે ગુમ થયા બાદ ગઇ કાલે સાબરમતી નદીમાંથી તેની લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. પૂજારીના પુત્રના ગળામાં તેમજ શરીરની અલગ અલગ જગ્યાએ ઇજાનાં નિશાન હોવાથી તેની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દેવાઇ હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે. યુવકે જાન્યુઆરી મહિનામાં તેના સમાજની એક યુવતી સાથે લગ્ન કર્યાં હતાં, જેની અદાવત રાખીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય તેવી શંકા પરિવારજનોએ વ્યક્ત કરી છે.

ચાંદલો‌િડયા વિસ્તારમાં આવેલ ચંદ્રેશ્વરનગરમાં રહેતા રપ વર્ષીય વિજય દશરથભાઇ પ્રજાપતિ નામના યુવકની લાશ ગઇ કાલે સાબરમતી નદીમાંથી મળી આવી છે. વિજયે આત્મહત્યા કરી છે કે પછી તેની હત્યા કરીને લાશને નદીમાં ફેંકી દેવામાં આવી છે તે મામલે ‌િરવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સામાન્ય રીતે લોકો કોઇ પણ કારણસર સાબરમતી નદીમાં ઝંપલાવીને આત્મહત્યા કરે છે, પરંતુ છેલ્લાં બે વર્ષમાં બે કિસ્સા એવા બન્યા છે કે જેમાં યુવકની હત્યા કરાયા બાદ તેના મોતને આત્મહત્યામાં ખપાવવા માટે લાશ સાબરમતી નદીમાં ફેંકી દીધી હોય.

વિજય પ્રજાપતિના અપમૃત્યુ કેસમાં પણ કંઇક આ રીતે થયું હોવાની પોલીસને શંકા છે અને પરિવારજનો પણ આરોપ કરી રહ્યાં છે. વિજય ચાંદલો‌િડયા વિસ્તારના ચંદ્રેશ્વરનગરમાં સંયુક્ત પરિવારમાં રહે છે અને ડે‌િન્ટસ્ટની હોસ્પિટલમાં લેબ આસિસ્ટન્ટ તરીકે નોકરી કરે છે. વિજયના પિતા દશરથભાઇ ચાંદલો‌િડયા વિસ્તારમાં આવેલ એક મંદિરના પૂજારી છે. વિજય છેલ્લા બે દિવસથી રહસ્યમય રીતે લાપતા થયા બાદ ગઇ કાલે તેની લાશ સાબરમતી નદીમાંથી મળી હતી.

દશરથભાઇએ કરેલા આક્ષેપ પ્રમાણે વિજયની હત્યા કરીને તેની લાશને નદીમાં ફેંકીને સમગ્ર ઘટના આત્મહત્યામાં ખપાવવા માટેની કોશિશ કરાઇ રહી છે. દશરથભાઇએ જણાવ્યું છે કે વિજયને છ વર્ષથી નરોડામાં રહેતી અને તેમના સમાજની હેતલ મૂળચંદભાઇ પ્રજાપતિ નામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. બન્નેના પ્રેમસંબંધની જાણ દશરથભાઇ અને તેમના પરિવારને થતાં તેઓ વિજયનાં લગ્ન હેતલ સાથે કરાવવા માટે નરોડા મૂળચંદભાઇના ઘરે ગયા હતા. મૂળચંદભાઇએ હેતલનાં લગ્ન વિજય સાથે કરાવવાની હા પાડી દીધી હતી, જોકે તેમાં એક શરત રાખી હતી કે હેતલના ભાઇનાં લગ્ન દશરથભાઇની દીકરી કે સમાજની અન્ય યુવતી સાથે કરાવવા પડશે.

દશરથભાઇ સાટા પદ્ધતિથી લગ્ન કરવાનો ઇનકાર કરીને ઘરે આવી ગયા હતા. તારીખ ર૪ જાન્યુઆરી, ર૦૧૯ના રોજ વિજય અને હેતલે ચુપચાપ કોર્ટ મેરેજ કરી લીધાં હતાં અને બન્ને જણાં પોતપોતાના ઘરે જતાં રહ્યાં હતાં. લગ્નના એક મહિના બાદ વિજય હેતલને તેના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેણે દશરથભાઇ અને તેનાં પરિવારજનોને લગ્ન કરી લીધાં હોવાનું કહી દીધું હતું.

બન્ને જણાંએ લગ્ન કરી લેતાં દશરથભાઇએ તેમને અપનાવી લીધાં હતાં, જોકે થોડાક સમય પછી હેતલની બહેન રેખા ત્યાં આવી હતી અને પંદર દિવસ પછી તેને મોકલી દઇશું તેમ કહીને ઘરે લઇ ગઇ હતી. પંદર દિવસ પછી હેતલ વિજય સાથે નહીં આવતાં તે નરોડા પહોંચી ગયો હતો, જ્યાં મૂળચંદભાઇ અને તેમના પુત્રોએ પોલીસને બોલાવી હતી. નરોડા પોલીસ સ્ટેશનથી વિજય પરત આવતાં દશરથભાઇએ સમાજના આગેવાનો સાથે મળીને બેઠક કરી હતી અને હેતલને મોકલી આપવા માટે વિનંતી મૂળચંદભાઇને કરી હતી, જોકે મૂળચંદભાઇએ સાટા પદ્ધતિથી પુત્રનાં લગ્નની વાત કરી હતી, નહીં તો છૂટાછેડા માટેની વાત કરી હતી.

થોડાક દિવસ પછી હેતલે નરોડા પોલીસ સ્ટેશનમાં વિજય અને તેનાં પરિવારજનો વિરુદ્ધમાં જબરદસ્તી લગ્ન કરાવ્યાં હોવાની ફરિયાદ કરી હતી. ફરિયાદ પર વિજય અને તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં હાજર થઇને સમાધાન કરી લીધું હતું. હેતલે ફરિયાદ કર્યા બાદ વિજય સાથે છૂટાછેડાની વાત કરી હતી, જેમાં બન્ને પક્ષ વચ્ચે મેટ્રો કોર્ટમાં મારામારી પણ થોડાક દિવસ પહેલાં થઇ હતી, જ્યાં વિજયને પતાવી દેવાની ધમકી મૂળચંદભાઇ અને તેમના પુત્રોએ આપી હતી.

વિજયને છૂટાછેડા આપવા માટે હેતલ અને પરિવારજનોએ દબાણ કર્યું હતું. બે દિવસ પહેલાં રાત્રે વિજય તેના ફોન પર વાત કર્યા બાદ ઘરે મોબાઇલ ફોન મૂકીને નીકળી ગયો હતો. દશરથભાઇ અને તેમનાં પરિવારજનોએ તેને શોધવા માટે અલગ અલગ જગ્યાએ તપાસ કરી, પરંતુ તેનો કોઇ પત્તો નહીં લાગતાં સોલા પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણ કરી હતી.

ગઇ કાલે વિજયની લાશ નદીમાંથી મળી આવી હતી, જ્યાં તેના શરીર પર ઇજાનાં નિશાન હતાં. દશરથભાઇને શંકા છે કે વિજયની હત્યા કરીને તેની લાશને નદીમાં ફેંકી દીધી છે. સાબરમતી ‌િરવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસે વિજયની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે. વિજય પાસેથી એક નોટ પણ મળી છે, જેમાં હેતલ અને તેના ત્રણ ભાઇનો ઉલ્લેખ કર્યો છે. સાબરમતી ‌િરવરફ્રન્ટ (ઇસ્ટ) પોલીસ સ્ટેશનના પીઆઇ જી.એચ. પઠાણે જણાવ્યું છે કે વિજયના મોતના મામલે તમામ દિશામાં તપાસ ચાલુ છે અને પોસ્ટમોર્ટમ ‌િરપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ જાણી શકાશે.

You might also like