ચાર મહિના પહેલાં મળેલાં ખોપરી, હાડકાં અવિરાજનાં જ!

અમદાવાદ: ધોળકા નજીક આવેલી રાય યુનિ.માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી આઠેક મહિના પહેલાં પાણીનું સેમ્પલ લેવા કેનાલમાં પગ લપસતાં ડૂબી ગયો હતો. લાંબા સમય સુધી શોધખોળ કરવા છતાં યુવકનો મૃતદેહ ન મળ્યો પરંતુ કેટલાંક હાડકાં અને ખોપરી મળી આવી હતી. આ ખોપરીને એફએસએલમાં મોકલી વિદ્યાર્થીના પિતાના ડીએનએ સાથે મેચ કરવામાં આવ્યાં હતાં. જે ડીએનએ મેચ થતાં તે હાડકાં અને ખોપરી અવિરાજનાં જ હોવાનું ખૂલ્યું છે.

ફેબ્રુઆરી માસમાં મૂળ ઊંઝાનો રહેવાસી અને ધોળકાની રાય યુનિવર્સિટીમાં બીએસસી (માઇક્રોલોજી)માં અભ્યાસ કરતો વિદ્યાર્થી અવિરાજ ઇન્દ્રવદન રાઠોડ (ઉ.વ.ર૧) પાણીનું સેમ્પલ લેવા કેનાલમાં ગયો હતો જ્યાં તેનો પગ લપસતાં તે કેનાલમાં ડૂબી ગયો હતો અને તેનો મૃતદેહ મળ્યો ન હતો.

યુનિવર્સિટીની બેદરકારીથી અવિરાજ ડૂબ્યો હોવાની પિટિશન હાઇકોર્ટમાં થતાં તેની તપાસ કરતાં મે મહિનામાં કેનાલમાંથી કેટલાંક હાડકાં અને ખોપરી મળી આવી હતી.

You might also like