સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સબ જેલમાંથી ચાર મોબાઈલ મળ્યા

સુરેન્દ્રનગર સબ જેલમાં જડતી સ્કવોડે અને ધ્રાંગધ્રા જેલમાં એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સુરેન્દ્રનગર જેલમાંથી બે અને ધ્રાંગધ્રા જેલમાંથી બે એમ કુલ ચાર મોબાઇલ મળી આવ્યા હતા. આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સબ જેલમાં થોડા દિવસ અગાઉ મોબાઈલ મળી આવ્યા હતા, જેથી સુરેન્દ્રનગર સબ જેલમાં અમદાવાદ જેલ જડતી સ્કવોડના ભરતસિંહ રાજાજી વાઘેલા સહિતની ટીમે અચાનક ચેકિંગ કરતાં જેલમાંથી બિનવારસી હાલતમાં સિમકાર્ડ વગરનો મોબાઇલ અને બેટરી મળી આવ્યાં હતાં.

ઉપરાંત જેલ હવાલદાર ભૂપતસિંહ ચૌહાણ સહિતનાઓએ ચેકિંગ હાથ ધરતાં જેલની પાણીની ટાંકીમાં કોથળીમાં નાખેલ ‌સિમકાર્ડ સહિતનો મોબાઇલ અને બેટરી હાથ લાગી હતી. આ બન્ને બનાવની એ ડિવિઝન પોલીસ મથકે બે અજાણ્યા કેદીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી.

જ્યારે ધ્રાંગધ્રા સબ જેલમાં એસઓજીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં બેરેક નંબર-૧માંથી બે મોબાઇલ ફોન-ચાર્જર મળી આવ્યાં હતાં. પોલીસે ઝીંઝુવાડાના જયપાલસિંહ સોલંકી અને ગજેન્દ્રસિંહ ઝાલા સામે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

You might also like