ચાર લકઝુરિયસ કાર અને પોતાનું ગેસ્ટ હાઉસ ધરાવતો કરોડપતિ ચોર ઝડપાયો

અમદાવાદ: રેલવેના એસી કોચમાં જ મુસાફરોની નજર ચુકવી કીમતી માલસામાનની ચોરી કરવાના અનેક ગુનામાં સંડોવાયેલ એક રીઢા કરોડપતિ ચોરની રેલવે પોલીસે ધરપકડ કરી પુછપરછ કરતાં અા ચોર પાસે પોતાની માલિકીની ચાર લક્ઝુરિયસ કાર અને ગેસ્ટ હાઉસ હોવાનું જાણવા મળતા પોલીસે અા દિશામાં અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે જોધપુર એક્સપ્રેસ ટ્રેનમાં પુનાના રહીશ ધનંજય અધુરકર પ્રવાસ કરતા હતા. ધનંજયભાઈ પુણેથી જોધપુર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન કોચમાં જ તેમના રૂ. ૫૦ હજારની કિંમતના લેપોટપની ચોરી થઈ હતી. બે દિવસ બાદ એક શખસ અમદાવાદ રેલવે સ્ટેશન પર લેપટોપ સાથે શકમંદ હાલતમાં ફરતો હોય, પોલીસે તેને રોકી પૂછપરછ કરતાં તે ભાગી પડ્યો હતો અને રેલવેના એસી કોચમાં જ અનેક ચોરીના ગુના અાચરવા હોવાની કબૂલાત કરી હતી.

પોલીસે અા અારોપી દિલીપસિંહ રામસુરતસિંહ પટેલની ઊલટતપાસ કરતાં અા ચોર પાસે પોતાની માલિકીની ચાર કાર અને એક ગેસ્ટહાઉસ હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે અા રીઢા ચોર પાસેથી લેપટોપ, રોકડ રકમ સહિત અાશરે રૂપિયા દોઢ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગુનેગારની વધુ પૂછપરછ દરમિયાન રેલવેમાં બનેલા ચોરીના વધુ ગુનાઓ ઉકેલવાની સંભાવના છે.
http://sambhaavnews.com/

You might also like