ચાર દિવસમાં સાસરિયાંના ત્રાસથી ત્રણ પરિણીતાએ ગળાફાંસો ખાધો

અમદાવાદ: શહેરમાં એક અઠવાડિયામાં સાસરિયાંના ત્રાસથી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરવાના ત્રણ બનાવ બન્યા છે. ગઇ કાલે અમરાઇવાડી વિસ્તારમાં સાસરિયાંના ત્રાસથી કંટાળીને 23 વર્ષની પરિણીતાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. અમરાઇવાડી પોલીસે પતિ, તેમજ જેઠ, જેઠાણી વિરુદ્ધમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડી વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મીનગરમાં રહેતા ગોવિંદભાઇ દેવાભાઇ સોલંકીએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરાવી છે. ગોવિંદભાઇની પુત્રી સુનીતાનાં લગ્ન વેજલપુર વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં રહેતા સંજય સોમાભાઇ વાણંદ સાથે થયાં હતાં. ગઇ કાલે સુનીતાને સાસરીમાં બોલાચાલી થઇ હોવાથી તેને પતિ સંજય, જેઠ કલવા અને જેઠાણી માલતીબહેન પિયરમાં મૂકી ગયાં હતાં.
પિયરમાં આવતાં સુનીતાને લાગી આવ્યું હતું અને સાસરી પક્ષ તરફથી મળતા માનસિક ત્રાસને કારણે તેણે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અમરાઇવાડી પોલીસે સુનીતાના પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધમાં ફરિયાદ
કરી છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલાં સાલ હોસ્પિટલના ડોક્ટર મહિલા મૌનવી શાહે સાસરિયાંના ત્રાસથી પિયર વસ્ત્રાપુરના ચિત્રકૂટ ટિવન્સમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. મૌનવીએ પાંચ પાનાંની સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં પતિ, સાસુ-સસરાના ત્રાસનો ઉલ્લેખ હતો. ત્યારે બે દિવસ પહેલાં એક લાખ રૂપિયા દહેજની માગણી કરીને પત્નીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર પતિ વિરુદ્ધમાં રામોલ પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે.
http://sambhaavnews.com/

You might also like