ચાર દિવસમાં ચાંદીમાં રૂ. ૧૫૦૦થી વધુનો કડાકો

અમદાવાદ: સ્થાનિક બજારમાં પાછલા ચાર જ દિવસમાં ચાંદીમાં રૂ. ૧૫૦૦થી વધુનો ઘટાડો જોવાઇ ચૂક્યો છે. આજે શરૂઆતે ચાંદીમાં રૂ. ૧૦૦નો વધુ ઘટાડો નોંધાઇ ૩૮,૪૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો. એ જ પ્રમાણે સોનામાં પણ ચાર દિવસમાં રૂ. ૭૦૦નો ઘટાડો નોંધાયો છે. આજે શરૂઆતે સ્થાનિકબજારમાં સોનું ૨૮,૭૫૦ની સપાટીએ ખૂલ્યું હતંુ. વૈશ્વિક બજારમાં ડોલર ઇન્ડેક્સમાં જોવા મળી રહેલ મજબૂતાઇના પગલે સોના અને ચાંદીના વૈશ્વિક ભાવમાં કડાકો બોલાઇ ગયો છે.

વૈશ્વિક બજારમાં આજે શરૂઆતે સોનું ૧૨૩૦ ડોલરની સપાટી તોડી ૧૨૨૮ ડોલરની સપાટીએ જોવા મળ્યું છે. બજારના ટેક્નિકલ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે વૈશ્વિકબજારમાં સોનું ૧૨૨૧ની સપાટી તોડે તો સોના અને ચાંદીમાં વધુ ઘટાડો જોવાઇ શકે છે.

દરમિયાન સોના અને ચાંદીમાં ‘સેલિંગ પ્રેશર’ ચાલુ રહેલું જોવા મળ્યું હતું. સપ્તાહ દરમિયાન વૈશ્વિક બજારમાં સોનામાં ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે, જે ૧૧ નવેમ્બર બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. હાલ વૈશ્વિક બજારમાં સોનું સાત સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયું છે.

સ્થાનિક ટેક્િનકલ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે જો આ જ ગતિથી વૈશ્વિક બજારમાં ભાવમાં ઘટાડાની ચાલ નોંધાય તો મે સુધીમાં સોનું ૨૭,૦૦૦થી ૨૭,૫૦૦ની સપાટીએ જોવાઇ શકે છે. તેમના કહેવા પ્રમાણે આગામી જૂન મહિના પૂર્વે સોના અને ચાંદીમાં સુધારાની ચાલ જોવાય તેવી શક્યતા હાલ ખૂબ જ ઓછી છે.

You might also like