ન્યૂઝીલેન્ડની કંપનીમાં ચાર જ દિવસનું સપ્તાહઃ કામ ઓછું અને પગાર વધુ

વેલિંગ્ટન: આમ તો સામાન્ય રીતે સાત દિવસનું સપ્તાહ ગણાય છે. પરંતુ ન્યૂઝીલેન્ડની એક કંપનીમાં માત્ર ચાર જ દિવસનું સપ્તાહ ગણાય છે. આ કંપનીના વિવિધ વિભાગોમાં કામ કરતા કર્મચારીઓ તેમના કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવામાં સફળ નિવડ્યા છે. નવાઈની વાત એ છે કે આ કંપનીના કર્મચારીને ચાર દિવસના બદલામાં પાંચ દિવસનો પગાર મળે છે. આવી સ્થિતિથી કંપનીને પણ અનેક ફાયદા થયા છે.

ન્યૂઝીલેન્ડની પરપેક્ટુઅલ ગાેર્જિયન કંપનીમાં ૨૪૦ કર્મચારી કામ કરે છે. આ કંપનીના માલિકોએ પ્રાયોગિક રીતે બે મહિના માટે સપ્તાહનાં કામના દિવસો ચાર કરવા નિર્ણય લીધો હતો. પરંતુ કર્મચારીઓને પાંચ દિવસનો પગાર ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત શનિ અને રવિવારની રજાનો લાભ તો ખરો જ. તો સામે કર્મચારીઓ પણ ઈમાનદારીથી સપ્તાહમાં ચાર દિવસ આઠ આઠ કલાક કામ કરી રહ્યા છે.

આ નવા પ્રયોગથી કર્મચારીઓની પારિવારિક સ્થિતિ અને કામની વ્યવસ્થા વધુ સારી જોવા મળી રહી છે. અને કામનું ભારણ ઓછું થતાં કર્મચારીઓ પણ ખુશ છે. તેનુ પરિણામ એવું આવ્યું છે કે આ નવતર પ્રયોગથી કંપનીને પણ અનેક લાભ મળવા લાગ્યા છે.

૭૪ ટકા લોકોએ કબૂલ્યું, અમારું જીવન બદલાયું છે
આ અંગે કંપની તરફથી સર્વે કરાવવામાં આવતાં એવું જાણવા મળ્યું હતું કે સપ્તાહમાં ચાર દિવસ કામ અને બાકીના દિવસોમાં પારિવારિક જીવન જીવવાથી તેમનાં કાર્ય અને માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ સર્વેમાં ૭૪ ટકા લોકોએ એવું કબૂલ્યું હતું કે સપ્તાહમાં કામના દિવસો ઘટતા તેમના પારિવારિક જીવનમાં પણ સારો એવો સુધારો થયો છે.

કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવા પ્રયાસ
કંપનીના સંસ્થાપક એન્ડ્રુ બોન્ર્સે તેમના કર્મચારીઓનું જીવન સુધારવા અને તેમના કામ અને જીવન વચ્ચે સંતુલન જાળવવા ઘણાં સમયથી પ્રયાસ કરતા હતા. તેથી તેમને આ નવો વિચાર આવ્યો હતો અને તેને અમલમાં મૂકતા કર્મચારીઓ અને કંપનીને પણ તેનો લાભ મળવા લાગ્યો છે.

You might also like