ન્યૂ કોટન મિલ પાસેનાં મેટ્રો રેલના સ્ટેશનમાંથી ચાર કમ્પ્યૂટર ચોરાયાં

શહેર સહિત રાજ્યભરમાં ચોરીના બનાવના કિસ્સા તો સાંભળ્યા હશે તેવી રીતે ટ્રેનમાં પણ ચોરી થયાના કિસ્સાઓ આપણે સાંભળ્યા હશે, પરંતુ અમદાવાદમાં જેની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેવી મેટ્રો રેલનું થોડા દિવસ પહેલાં વસ્ત્રાલમાં વડા પ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું અને હાલમાં શહેરમાં અનેક જગ્યાએ મેટ્રો રેલ પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે ત્યારે ગોમતીપુરમાં આવેલ ન્યુ કોટન મિલ પાસેના મેટ્રો રેલવે સ્ટેશનમાં ચોરી થયાની ઘટના સામે આવી છે.

ખોખરા વિસ્તારમાં આવેલ પરિષ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને મેટ્રો રેલ પ્રોજેક્ટમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા શક્તિ મણીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈ કાલે સવારે ઓફિસબોય દીપકે શક્તિ મણીને ન્યુ કોટન મિલ પાસેના મેટ્રો રેલની ઓફિસમાં ચોરી થઇ હોવાની જાણ કરી હતી શક્તિ મણી ઓફિસે પહોંચ્યા ત્યારે લૂંટારુઓ બારી તોડીને ઓફિસમાં પ્રવેશ કરી ૧.૪૯ લાખનાં ચાર કમ્પ્યૂટર લઈને નાસી ગયા હતા.

શક્તિ મણીએ તાત્કા‌િલક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં ગોમતીપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરતાં પોલીસ સહિતનાં તંત્ર હરકતમાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ અમરાઇવાડી પાસે આવેલા સ્ટેશન પરના પાટા પર લાગેલી ૧પ કિલોની તાંબાની પ્લેટની ચોરી કરીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા ત્યારે ફરી એક વાર લૂંટારુએ મેટ્રો રેલ સ્ટેશન પર પણ હાથ સાફ કરી દીધો છે, જોકે મહત્ત્વનું એ છે કે હાલમાં શહેરમાં મેટ્રોની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

You might also like