કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં અાવેલી ચાર કંપનીઓમાં ભીષણ અાગ

અમદાવાદ: ગાંધીધામ નજીક અાવેલ કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં અાવેલી ચાર કંપનીઓમાં એક સાથે મોડી રાતે અાગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ભયનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડના કાફલાએ રાતભર અાગ બુઝાવવાના પ્રયાસો કરવા છતાં અા લખાય છે ત્યારે હજુ સુધી અાગ અંકુશમાં અાવી નથી.

ગાંધીધામ નજીક કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં અાવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી હરીશ પ્રોસેસર્સ નામની કંપનીમાં ગઈ રાતે ૧૨ વાગ્યાના સુમારે અચાનક જ અાગ ફાટી નીકળી હતી. અાગે જોતજોતામાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી બાજુમાં અાવેલી સફારી પોલિમર્સ, લોટસ રિસાઇકલ અને ફ્લેક્સ પ્રા.લિ. નામની ત્રણ કંપનીઓને પોતાની લપેટમાં લઈ લીધી હતી.

અાગની વિકરાળ જ્વાળાઓ અાકાશમાં ઊંચે સુધી લબકારા મારતી હોય ફેક્ટરીની અાજુબાજુમાં રહેતા કામદારોએ ભયના કારણે ભારે નાસભાગ કરી મૂકી હતી. જો કે સદનસીબે અા ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

અાગ લાગવાની જાણ થતાં જ અંજાર, અાદિપુર, ગાંધીધામ અને ભચાઉ ખાતેથી ફાયરબ્રિગેડના જવાનો ૧૮ જેટલાં ફાઈટરો અને વોટર ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સતત પાણીનો મારો ચલાવી અાગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યા હતા પરંતુ હજુ સુધી અાગ અંકુશમાં અાવી નથી. એક સાથે ચાર કંપનીઓમાં અાગ લાગતાં અા કંપનીઓમાં કામ કરી રહેલ ૬૦૦ જેટલા કામદારો બેરોજગાર બની ગયા છે. અાગમાં કરોડોનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લોકોની વાહનોની અવરજવર અટકાવી દીધી.
visit : www.sambhaavnews.com

You might also like