ઘરમાંથી પૈસા લઈ ચાર કિશોર ફરવા નીકળી ગયા

અમદાવાદ: શહેરના નવા વાડજ વિસ્તારમાં રહેતા ચાર મિત્રો ગઇ કાલે સ્કૂલે ગયા બાદ ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. ગત રાત્રે ચારેય મિત્રો ઘરે પરત ફરતાં પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. ચારેય મિત્રો સવારે સ્કૂલે જવાની જગ્યાએ ઘરેથી ૧૦૦-ર૦૦ રૂપિયા લઇને ફરવા નીકળી ગયા હતા. પૈસા ખૂટતાં તેઓ રાત્રે રિક્ષામાં અખબારનગર આવ્યા હતા. ત્યાંથી તેઓને પાડોશી રિક્ષાચાલક જોઇ જતાં પરિવારજનો ઘરે લાવ્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે નવા વાડજના બલોલનગર નજીક જય મહાદેવનગરમાં રાઘવરામ શર્મા (ઉ.વ.૩૯) તેમનાં ૩ બાળકો શૈલેશ (ઉ.વ.૧૪), નિતેશ (ઉ.વ.૧૧) અને દીકરી નિધી (ઉ.વ.૮) અને પત્ની સાથે રહે છે. શૈલેશ કાળીગામ ખાતે હિન્દી સ્કૂલમાં અભ્યાસ કરે છે. તેમના ઘરની નજીકમાં જ આકાશ કોરી (ઉ.વ.૧પ), શિવમ શ્યામલાલ  ધુલિયા (ઉ.૧પ) અને અનીસ રામલાલ કોરી (ઉ.વ.૧૪) રહે છે. આ ત્રણેય ગણેશ સ્કૂલમાં ધો.૯ અને ૧૦માં અભ્યાસ કરે છે. શૈલેશ અને આ ત્રણેય કિશોરો એકબીજાના મિત્રો હોઇ સાથે સ્કૂલે જતા હતા.

ગઇ કાલે સવારે સાડા છ વાગ્યે શૈલેશ અને તેના બીજા ત્રણ મિત્રો સ્કૂલે જવા નીકળ્યા હતા. સ્કૂલ છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતાં તેઓના પરિવારજનોએ સ્કૂલમાં તપાસ કરી હતી. સ્કૂલમાં છોકરાઓ ન આવ્યા હોવાની જાણ થતાં તેઓએ આસપાસમાં શોધખોળ કરી હતી, પરંતુ કિશોરો મળી ન આવતાં વાડજ પોલીસ સ્ટેશનમાં ચારેય કિશોરોની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ તપાસ કરી રહી હતી તે દરમ્યાનમાં ચારેય કિશોરો ગત રાત્રે ૧૦-૩૦ વાગ્યે ઘરે પરત ફર્યા હતા. પરિવારજનોએ પૂછપરછ કરતાં તેઓએ ઘરમાંથી ૧૦૦-ર૦૦ રૂપિયા કાઢી લીધા હતા. અનીસ નામનાે કિશોર રૂ.ર૦૦૦ ઘરમાંથી લઇને ફરવા નીકળી ગયાે હતાે. દિવસ દરમ્યાન ચાંદલોડિયા તળાવ, વૈષ્ણોદેવી મંદિર અને જુદા જુદા બગીચાઓમાં ફર્યા હતા. પૈસા ખૂૂટી જતાં રાત્રે તેઓ ઘરે પરત ફર્યા હતા. ચારેય મિત્રો હેમખેમ ઘરે પરત ફરતાં પરિવારજનો અને પોલીસે હાશકારો મેળવ્યો હતો.

You might also like