જુગારમાં દેવું થઈ જતાં ચાર ઉદ્યોગપતિ પાસે ખંડણી માગી, જેતપુરના બે શખ્શની ધરપકડ

અમદાવાદ: જુગારમાં દેવું થઇ જતાં તે ચૂકવવા માટે પોરબંદરની ગેંગના નામે જેતપુર શહેરના ચાર ઉદ્યોગપતિ પાસે ૬૦ લાખની ખંડણી માગનાર બે શખ્સોની જેતપુર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે મોબાઇલ ડિટેઇલના આધારે ઝડપી લીધા હતા.

જેતપુરના કારખાનેદાર કીર્તિભાઇ પરસોતમભાઇ છાંટબારને ૧૭ ઓક્ટોબરના રોજ મોબાઇલ પર ફોન આવેલ કે હું પોરબંદરથી ઓડેદરા બોલું છું. તું મોટો ઉદ્યોગપતિ છે અને તારે જો શાંતિથી જિંદગી પસાર કરવી હોય તો ૧૫ લાખ રૂપિયા આપવા પડશે, જેથી કીર્તિભાઇ ગભરાઇ ગયા અને સિટી પોલીસ સ્ટેશને આવીને જાણ કરી હતી. પોલીસે તેઓ પાસેથી ખંડણી માગવાની અરજી લઇ તપાસ શરૂ કરી હતી.

શહેરના બીજા ઉદ્યોગપતિઓ રાજુભાઇ કોટડિયા, મયૂરભાઇ કવાભાઇ વેક‌િરયા અને જગદીશભાઇ સીતાપરા પાસેથી પણ કીર્તિભાઇને જે મોબાઇલ નંબર પરથી ફોન આવેલ તે નંબર પરથી જ ફોન કરીને ૧૫ લાખની ખંડણી માગી હોવાની વાત બહાર આવી હતી. ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણીની માગને લઇ પોલીસે છટકું ગોઠવ્યું હતું.

ફરિયાદી કીર્તિભાઇએ ખંડણીખોરો પાસેથી સમયમર્યાદા વધારવાની માગ કરી હતી, જે ખંડણીખોરોએ મંજૂર રાખી હતી. ખંડણીખોરો કીર્તિભાઇને ફોન કર્યે રાખતા, જેનું લોકેશન અમદાવાદ, કુતિયાણા પાસેના વાડાસડા તેમજ ડુમિયાણી ગામ પાસેનું આવતાં પોલીસને પણ પોરબંદરની ગેંગ જ કદાચ હોય તેવું લાગ્યું હતું.

દરમ્યાનમાં ખંડણીખોરોએ કીર્તિભાઇને ખંડણીના પૈસા કુતિયાણા પાસેના વાડાસડા ગામ પાસે હાઇવે પર એક કેરીના બોક્ષમાં મૂકી દેવાનું જણાવેલું અને પૈસા લઇને ડ્રાઇવરને મોકલવાનું જણાવેલું. પોલીસે ડ્રાઇવર તરીકે પોતાની જ ટીમના એક કોન્સ્ટેબલને મોકલેલ, પરંતુ પૈસા મૂક્યા નહીં, જેથી ખંડણીખોરો ગુસ્સે ભરાયા અને કીર્તિભાઇને ધમકીઓ આપવા લાગ્યા.

પોલીસને પણ ખંડણીખોરોનું લોકેશન મળી ગયું અને તેઓ ઓળખાણ પણ થઇ ગઈ હતી. પોલીસે પીયૂષ શૈલેશ દોંગા અને તેના મિત્ર કિશોર અરજણ રબારીની ધરપકડ કરી હતી. પીયૂષ ઘોડિપાસાનો જુગાર રમવાની આદત ધરાવતો હોય તેમાં તેના પર પાંચેક લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હોવાથી તેને દેવું ઉતારવા ખંડણી માગવાનો વિચાર આવ્યો હતો.

સર્વિસ સ્ટેશને વાહનો ઘોવડાવવા આવતા ઉદ્યોગપતિઓને તે સારી રીતે ઓળખતો હોય અને તેઓના મોબાઇલ નંબર પણ તેની પાસે હોવાથી પીયૂષે આ ઉદ્યોગપતિનો પાસેથી ખંડણી માગવાનો નિર્ણય લીધ હતો.

કિશોરને ખંડણીની પચાસ ટકા રકમ ભાગમાં આપવાનું જણાવેલ, જેથી બન્નેએ સાથે મળીને ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી માગી હતી. જેતપુર પોલીસે બન્નેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

You might also like