મ્યુનિ. બજેટ બેઠકમાં બબાલઃ માત્ર એક કલાકમાં ચાર બજેટ મંજૂર કરી દેવાયાં

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: આજે મ્યુનિસિપલ મુખ્યાલયમાં આવેલા ગાંધી હોલમાં મળેલી બજેટ બેઠકમાં સવારે ૧૦ વાગ્યે મ્યુનિ. કોર્પોરેશન સલગ્ન ચારેય સંસ્થાનાં બજેટ ચર્ચા માટે મુકાયાં હતાં. જોકે ફક્ત એક કલાકમાં મેયર બીજલબહેન પટેલે બહુમતીના આધારે તમામ બજેટને મંજૂર કરતાં કોર્પોરેશનના ઇતિહાસમાં અભૂતપૂર્વ ઘટના બની હતી.

મેયર બીજલબહેન પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ૧૦ વાગ્યે બજેટ બેઠકનો પ્રારંભ થયો હતો. બે દિવસની બજેટ બેઠકના આજના પહેલા દિવસે પહેલા સ્કૂલ બોર્ડ ત્યાર બાદ એમજે લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલ, એએમટીએસ અને છેલ્લે જનરલ બજેટને ચર્ચા માટે ક્રમશઃ લેવાનાં હતાં.

બજેટ બેઠકનો પ્રારંભ પૂર્વ નિર્ધારીત સમય મુજબ થયો હતો બજેટ બેઠકમાં સ્કૂલ બોર્ડના આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના રૂપિયા ૬૭૩ કરોડના બજેટને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા ચર્ચા માટે મુકાયું હતું. અમૂલ ભટ્ટ દ્વારા સ્કૂલ બોર્ડના બજેટને મૂવ કરાયા બાદ કોંગ્રેસના વરિષ્ઠ કોર્પોરેટર સુરેન્દ્ર બક્ષીની ગેરહાજરીમાં જગદીશ રાઠોડ દ્વારા તેમાં પક્ષ વતી સુધારા મુકાયા હતા, જોકે કોંગ્રેસના સભ્યને રજૂઆત કરતા રોકતા ગૃહમાં હોબાળો મચ્યો હતો.

આ દરમિયાન ભાવનાબહેન નાયકે બજેટની ચર્ચાને આગળ વધારતા ગૃહ શોરબકોરમાં ફેરવાઇ ગયું હતું. આ દરમિયાન પક્ષ નેતા અમિત શાહે મ્યુનિસિપલ કોર્પોરેશનની કલમ-૨૫ હેઠળનો ઉલ્લેખ કરીને જો સભ્યોને બજેટની ચર્ચામાં રસ ન હોય તો તે મંજૂર કરી શકાય છે તેવો ઉલ્લેખ કર્યો હતો.

અમિત શાહ દ્વારા બજેટને મંજૂરી અપાવવાની બાબતનો ઉચ્ચાર કરતાં ગૃહમાં શોરબકોર વધ્યો હતો. કોંગ્રેસના કેટલાક સભ્યોએ પોતાની બેઠક ઉપરથી ઊભા થઇ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી તેવો સૂત્રોચ્ચાર કર્યો હતો. સમગ્ર ગૃહમાં ભારે ધાંધલ ધમાલ મચવાથી કોણ શું બોલી રહ્યું છે તે કશું સંભળાતું ન હતું.

આવા ઘોંઘાટભર્યા મહોલમાં મેયર બીજલબહેન પટેલે મ્યુનિ. કોર્પોરેશન સંલગ્ન સ્કૂલ બોર્ડ, એમજે લાઇબ્રેરી, વીએસ હોસ્પિટલ, એએમટીએસના આગામી નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના ક્રમશ રૂપિયા ૬૭૩ કરોડ રૂ.૧ર.૮૬ કરોડ રૂપિયા ર૧૩.૩૬ કરોડ અને રૂ.૪પ૦ કરોડના બજેટને બહુમતીના આધારે મંજૂરી આપી હતી. મેયર બીજલબહેન પટેલે માત્ર દોઢ કલાકમાં ચારેય સંસ્થાનાં બજેટને બહાલી આપીને ગૃહને આના દિવસ પૂરતું મુલતવી રાખ્યું હતું.

જાણકાર સૂત્રો કહે છે આજની બજેટ બેઠકના પહેલા દિવસે સાંજના ૭ વાગ્યા સુધી આ ચારેય સલગ્ન સંસ્થાની ચર્ચા થવાની હતી અને આવતી કાલે જનરલ બજેટ પર ચર્ચા કરાઇને છેલ્લે આ તમામ બજેટ પર મતદાન લેવાનું હતું. પરંતુ કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર માત્ર એક કલાકમાં ચારેય બજેટને મંજૂરી અપાઇ છે. હવે આવતી કાલે સવારે ૧૦ વાગે જનરલ બજેટની ચર્ચા માટે બોર્ડ મળશે.

You might also like