ચાર બેન્કોએ મુંબઈના વેપારીના ૧૫૦ કરોડ સફેદ કરવામાં મદદ કરી

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ ચાર બેન્કોના અધિકારીઓ પર નોટબંધી દરમિયાન વેપારીઓના રૂ. ૧૫૦ કરોડનાં કાળાં નાણાંને સફેદ કરવાનો આરોપ મૂક્યો છે. આ બેન્ક અધિકારીઓએ છેતરપિંડીભર્યા ટ્રાન્ઝેક્શન કરવામાં વેપારીઓને મદદ કરી હતી. એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ સંદર્ભમાં ચાર બેન્કોને પત્ર લખ્યો છે. આ પત્રમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે નોટબંધી દરમિયાન આ બેન્કોના અધિકારીઓએ મુંબઈના ઝવેરી બજારના એક બિઝનેસમેનના રૂ. ૧૫૦ કરોડના ખોટા ટ્રાન્ઝેકશન કરીને બેન્કોમાં જમા કરાવ્યા હતા. અધિકારીઓએ બિઝનેસમેનને મદદ કરી હતી કે જેથી તેનું કાળું નાણું સફેદ થઈ શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આઠ નવેમ્બરના રોજ નોટબંધીની જાહેરાત કરીને રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની નોટો કાનૂની ચલણમાંથી રદ કરી હતી. ત્યાર બાદ કેટલાય બેન્ક અધિકારીઓ પર બિઝનેસમેનોનાં નાણાં મેનેજ કરવાના આક્ષેપો થયા હતા. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહીમાં દેશભરમાંથી નવી અને જૂની નોટો જંગી સંખ્યામાં જપ્ત કરાઈ છે. અહેવાલ અનુસાર બેન્ક અધિકારીઓએ બિઝનેસમેનનાં નાણાં એવી કંપનીઓના એકાઉન્ટમાં ડિપોઝિટ કરાવ્યા હતા, જે માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હતી.

home

You might also like