નવી મધ્યસ્થ જેલમાંથી Mobile, Sim card અને ચાર્જર મળ્યાં

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં 4જી જામર લગાવી દીધાં છે અને થોડાક સમય પહેલા ફૂલ બોર્ડી સ્કેનર મશીન મૂકી દીધું હોવા છતાંય છાશવારે ને છાશવારે મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવે છે. ગઇ કાલે નવી મધ્યસ્થ જેલમાંથી ત્રણ કાચા કામના કેદીઓ પાસેથી એક મોબાઇલ ફોન, સિમકાર્ડ અને ચાર્જર મળી આવ્યાં છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં જેલર તરીકે ફરજ બજાવતા અસલમભાઇ કુરેશીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ત્રણ કાચા કામના કેદી વિરુદ્ધમાં પ્રતિબંધીત ચીજ વસ્તુ રાખવા બદલ ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ગઇ કાલે નવી મધ્યસ્થ જેલ સર્કલ યાર્ડની બેરેકમાં ફરજ બજાવતા જેલ સહાયક કિશનસિંહ મકવાણાએ કાચા કામના કેદી એવા વિજય સુદર્શનભાઇ તેલુગુની અંગ જડતી લીધી હતી. વિજય પાસેથી જેલ સહાયકને એક સિમકાર્ડ મળી આવ્યું હતું.

જેલ સત્તાધીશોએ આ મામલે વિજયની પૂછપરછ કરતાં સિમકાર્ડ કાચા કામના કેદી કલ્પેશ પટણી અને તેજેન્દ્રસિંહ પરિહારે આપ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી જેલર સહિતના કર્મચારીઓ બેરેકની તપાસ કરતાં તેમાંથી બે ચાર્જર અને એક મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો.

આ મામલે જેલરે રાણીપ પોલીસ સ્ટેશનમાં વિજય, કલ્પેશ અને તેજેન્દ્રસિંહ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. રાણીપ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને જપ્ત થયેલો મોબાઇલ ફોન તેમજ સિમકાર્ડને એફએસએલ કચેરીએ મોકલી આપવામાં આવ્યા છે.

You might also like