ફોર્મ્યુલા લાગૂ કરતાં વૉટબેન્કનો વિચાર કર્યો નહોતો : કેજરીવાલ

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે જણાવ્યું હતું કે, ‘આપ’ સરકારે એકી-બેકી ફોર્મ્યુલાને લીધે વૉટ બેંક પર વિપરીત અસર થઈ શકે તેવી આશંકા હોવા છતાં આ ફોર્મ્યુલા અમલી બનાવવાનો નિર્ણય લીધો હતો. કેજરીવાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકોએ આ પહેલની પ્રશંસા કરી છે અને યોજના લાગૂ કરવામાં સરકારને સહકાર આપ્યો છે કારણ કે પર્યાવરણનું જતન એ એક મોટો પડકાર છે.

અત્રે એક પુસ્તકના વિમોચન પ્રસંગે કેજરીવાલે જણાવ્યું હતું કે લગભગ દોઢ મહિના પહેલાં જ્યારે એકી-બેકી ફોર્મ્યુલા વિશે ચર્ચા-વિચારણા ચાલી રહી હતી ત્યારે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ યોજના અમલી બનાવવામાં આવશે તો દિલ્હીની પ્રજા અમારાથી નિરાશ થઈ જશે અને અમે ૨૦૧૭ની દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હારી જઈશું. પરંતુ ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યાનો ત્વરિત ઉકેલને જોતા આ યોજના ખૂબ મહત્ત્વની હતી.

કેજરીવાલે જણાવ્યું કે અમે દરેક વસ્તુને વૉટ બેંકની દ્રષ્ટિએ જોતા નથી કારણ કે એવું વિચારવાથી તો અમે લોકોના લાભ માટે કામ જ કરી શકીશું નહીં. જો અમે માત્ર વૉટ બેંક વિશે જ ચિંતિત રહીએ અને પરંપરાગત રાજકારણ પર જ ધ્યાન આપત તો અમે એકી-બેકી ફોર્મ્યુલાને લાગૂ કરી શકત નહીં.

મુખ્યમંત્રીએ કહ્યું કે યોજનાની સફળતાએ અમારા એવા વિશ્વાસને વધાર્યો છે કે લોકોને સાથે લઈને ચાલીએ તો કપરા કામો પણ કરી શકાય છે. કેજરીવાલે કહ્યું કે એકી-બેકી ફોર્મ્યુલા માત્ર એક સૂત્ર બનીને રહી ન જાય તે સુનિશ્ચિત કરવાની તેમની સરકારની યોજના હતી.

You might also like