ગુજરાત ચેમ્બરની ચૂંટણીનાં ઉમેદવારી પત્રોનું તા.૧૫ મેથી વિતરણ થશે

અમદાવાદ: ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઇ)ના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રે‌િસડેન્ટ અને કારોબારી સહિતની ર૩ બેઠક માટે આગામી તા.૧પ મેથી ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર ૧પ મેથી ઉમેદવારીફોર્મ વિતરણની શરૂઆત થશે. ત્યારબાદ ર૬ મે સુધીના અંતિમ દિવસ સુધીમાં ઉમેદવારો તેમનાં ઉમેદવારીફોર્મ નોંધાવી શકશે. તે પછીના ત્રણથી ચાર દિવસ ફોર્મની સ્ક્રૂ‌િટની બાદ ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર કરાશે. ૩૦ મેની સાંજના ૪ વાગ્યા સુધી ઉમેદવારો ઉમેદવારી પાછી ખેંચી શકશે.

ઉપપ્રમુખ (સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ)ના પદ માટે ૪ થી પ ઉમેદવારો વચ્ચે જંગ લડાય તેવી શક્યતા છે. હાલના ઉપપ્રમુખ જયમીન વસા હવે ચેમ્બરના પ્રમુખ બનશે. ઉપપ્રમુખના પદ માટે દુર્ગેશ બૂચ, જયેન્દ્ર તન્ના, ગૌતમ જૈન અને હેમંત શાહ અને ભાર્ગવ ઠક્કર વચ્ચે હરીફાઇ થવાથી શક્યતા છે. ચેમ્બરના નિયમ મુજબ પ્રમુખપદ માટે સિનિયર ઉપપ્રમુખ જ ઉમેદવાર બની શકે, જ્યારે ઉપપ્રમુખની ચૂંટણી સામાન્ય રીતે દર વર્ષે યોજાય છે.

કારોબારીની વિવિધ કેટેગરીની ર૩ બેઠક, પેટ્રન લાઇફ મેમ્બરની ૩ બેઠક, બિઝનેસ એસો. કેટેગરીની ૩ બેઠક અને જનરલ કેટેગરીની ૧ર બેઠક માટે ફોર્મ ભરાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૯ મે રહેશે ત્યારે મોટા ભાગના ઉમેદવારો ફોર્મ ભરે તેની સંભાવના છે. આ વર્ષની ચૂંટણી રસાકસીભરી બની રહેશે. મોટા ભાગના હોદ્દામાં ચૂંટણી સમરસ થવાની શક્યતા બહુ ઓછી છે.

વર્ષ ર૦૧૮-૧૯ના વર્ષની ચૂંટણી ૧૬ જૂને યોજાશે, જેનું પરિણામ ૧૭ જૂને જાહેર થશે. ચેમ્બરની હાલની કાર્યરત બોડીની વાર્ષિક સામાન્ય સભા ૧૬ જૂને યોજાશે. સિનિયર વાઇસ પ્રેસિડેન્ટના હોદ્દા માટે દુર્ગેશ બૂચની દાવેદારી નિશ્ચિત છે, તેની સાથે જયેન્દ્ર તન્ના પણ લડી લેવાના મૂડમાં છે, જેઓ વ્યવસાયે સી.એ.ઇ. અને ફી નિર્ધારણ કમિટીના સભ્ય છે.

તેઓ મહાજન તરફથી અવારનવાર ચેમ્બરમાં રજૂઆત કરતા રહ્યા છે અનેે હાલની બોડીમાં વાઇસ પ્રેસિડેન્ટના પદ પર છે. અન્ય ઉમેદવાર હેમંત શાહ જૈન સમાજના આગેવાન છે અને હાલમાં જીસીસીઇની કારોબારીમાં છે, જ્યારે ગૌતમ જૈન પહેલાં કેમિકલનો વ્યવસાય કરતા હતા.

હવે કન્સ્ટ્રકશનના વ્યવસાયમાં છે તેમજ હાલમાં ચેમ્બરમાં કારોબારી સભ્ય છે. અન્ય એક ઉમેદવાર ભાર્ગવ ઠક્કર પણ ઉમેદવારી કરે તેવી શક્યતા છે. તેઓ ગત વર્ષે વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી લડ્યા હતા, તેમની સામે જયેન્દ્ર તન્ના વિજયી થયા હતા.

વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીની હાઇ પ્રોફાઇલ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાની શરૂઆત તા.૧પ મેથી થશે. સંભવિત ઉમેદવારોએ તેમનાં આયોજનો શરૂ કરી દીધાં છે અને ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે.

You might also like