૧૦૦થી વધુ ટેસ્ટ સરેરાશ ધરાવતા વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન એન્ડી ગેન્ટમનું ૯૫ વર્ષની વયે નિધન

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી એન્ડી ગેન્ટમનું ૯૫ વર્ષની વયે નિધન થયું છે. ત્રિનિદાદ એન્ડ ટોબેગોના આ બેટ્સમેને પોતાના દેશ તરફથી એકમાત્ર ટેસ્ટ રમીહતી. ગેન્ટમે બુધવારે પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પોતાની એકમાત્ર ટેસ્ટ ઇનિંગ્સમાં ગેન્ટમે ૧૧૨ રન બનાવ્યા હતા. એ ટેસ્ટ ક્વીન્સ પાર્ક ઓવલ મેદાન પર ૧૯૪૮માં ઈંગ્લેન્ડ સામે રમાઈ હતી. ગેન્ટમે પોતાની એ ઇનિંગ્સ દરમિયાન જ્યોર્જ કારેયુ સાથે ૧૪૫ રનની ભાગીદારી નોંધાવી હતી. એ ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. કારેયુએ પણ એ મેચમાં સદી ફટકારી હતી. એક ટેસ્ટ ઉપરાંત ગેન્ટમ પ્રથમ શ્રેણીની ૫૦ મેચ રમ્યા હતા અને ૩૪ની સરેરાશથી ૨૭૮૫ રન બનાવ્યા હતા, જેમાં પાંચ સદી સામેલ હતી. બાદમાં તેઓ કેરેબિયન ક્રિકેટના પસંદગીકાર અને મેનેજરપદે રહ્યા હતા. તેઓ એક સફળ ફૂટબોલ ખેલાડી પણ હતા.

You might also like