વાજપેયીની તબિયતમાં સુધારો, પરંતુ આજે રજા નહીં મળે

નવી દિલ્હી: પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજયેપીને ગઈ કાલે બપોરે નવી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે તેમને રુટિન ચેકઅપ માટે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું હતું.

તેમને યુરિન ઈન્ફેક્શનની તકલીફ થઈ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ત્યારે તેમની તબિયતમાં સુધારો થયો છે ડાયાલિસિસ થયા બાદ તેમને યુરિન પાસ થયો છે પણ હાલ તેમને આઈસીસીયુમાં રાખવા પડે તેમ હોવાથી તેમને આજે રજા મળી શકે તેમ નથી. તેમ એઈમ્સ હોસ્પિટલનાં સૂત્રોએ જણાવ્યું છે.દરમિયાન આજે વાજપેયીને મળવા ગયેલા એમડીએમકેના ચીફ વાઈકોએ જણાવ્યું હતું કે વાજપેયીની તબિયત સારી છે, ચિંતા જેવુ કંઈ નથી.

દરમિયાન ગઈ કાલે રાતે હોસ્પિટલ દ્વારા રજૂ કરવામાં આવેલા મેડિકલ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ પીએમ વાજપેયીને કિડની સંબંધિત તકલીફ બાદ એઈમ્સમાં લાવવામાં આવ્યા છે. તપાસ કર્યા પછી ખબર પડી છે કે, તેમને યુરિન ઈન્ફેક્શન થયું છે. ડોક્ટર્સની એક ટીમ અંતર્ગત તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.

હાલ વાજપેયીજીની હાલત સ્થિર છે. અટલજીની તબિયતની ખબર કાઢવા વડા પ્રધાન મોદી એઇમ્સ પહોંચ્યા હતા અને તેઓ લગભગ ૫૦ મિનિટ હોસ્પિટલમાં રોકાયા હતા. નરેન્દ્ર મોદીએ અટલજીના પરિવારજનો સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત છ દાયકાથી વાજપેયી સાથે વીતાવનારા અડવાણી પણ હોસ્પિટલમાં તેમની તબિયતના સમાચાર જાણવા આવ્યા હતા.

આ અગાઉ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વાજપેયીની હાલતની જાણકારી મેળવી હતી. વાજપેયી લાંબા સમયથી બીમાર છે. એઇમ્સે નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, અટલ બિહારી વાજપેયીની તબિયત સ્થિર છે. તે પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ એઇમ્સમાં અટલજીની ખબર પૂછી ગયા હતા.

આ ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથ સિંહ, આરોગ્યપ્રધાન જેપી નડ્ડા સહિત અનેક પ્રધાનો પણ એઇમ્સમાં હાજર રહ્યા હતા.ભાજપના નેતા વિજય ગોયલે કહ્યું કે હાલ તેમની યુરિન ઇન્ફેકશનની સારવાર ચાલી રહી છે અને આશા છે કે તેઓ (વાજપેયી)આજે ઘરે જઇ શકશે.

એઇમ્સમાં વાજપેયીની તબિયત પૂછયા બાદ કેન્દ્રીય પ્રધાન ડૉ.હર્ષવર્ધને પત્રકારોને કહ્યું હતું કે વાજપેયી ઠીક છે અને ચિંતા કરવાની જરૂર નથી. જો કે આની પહેલાં એમ્સ હોસ્પિટલની તરફથી કહેવામાં આવ્યું હતું કે પૂર્વ વડા પ્રધાનને નિયમિત તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમની સ્થિતિ સ્થિર છે.

You might also like