પેરેડાઈઝ પેપર્સમાં પૂર્વ પાક.ના PM શૌકત અઝીઝનું પણ નામ

ઈસ્લામાબાદ: વિદેશમાં નાણાકીય લેણદેણ સંબંધિત પેરેડાઇઝ પેપર્સની યાદીમાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન શૌકત અઝીઝ અને અન્ય લોકોનાં નામ સામેલ છે. ૬૮ વર્ષીય શૌકત અઝીઝ ર૦૦૪થી ર૦૦૭ સુધી વડા પ્રધાન હતા. ઉલ્લેખનીય છે કે ૧૮ મહિના પહેલાં થયેલા પનામા પેપર્સ લીકને લઇને પૂર્વ પાક. વડા પ્રધાન નવાઝ શરીફને પદ પરથી હટવું પડયું હતું.

એકસપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યા મુજબ શૌકત અઝીઝ એન્ટાર્કટિક ટ્રસ્ટ સાથે જોડાયેલા છે અને તેના લાભાર્થીઓમાં તેમની પત્ની, બાળકો અને પૌત્રી સામેલ છે. શૌકત અઝીઝે ૧૯૯૯માં પાકિસ્તાનના નાણાં પ્રધાન બનતાં પહેલાં અમેરિકાના બેલાવેર રાજ્યમાં આ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ સમયે તેઓ સિટી બેન્કમાં કામ કરતા હતા. તેમના નાણાકીય કે વડા પ્રધાનના કાર્યકાળ દરમિયાન કયારેય પણ ટ્રસ્ટ અંગે જાહેરાત કરાઇ ન હતી.

સપ્ટેમ્બર ર૦૧પમાં એન્ટાર્કટિક ટ્રસ્ટને બંધ કરી દેવાયું અને બીજી કંપની એપલબીના એક ડેટાબેઝથી સંબંધિત ફાઇલો હટાવી દેવાઇ. આઇસીઆઇજેના જણાવ્યા મુજબ શૌકત અઝીઝના વકીલનું કહેવું હતું કે કાયદાકીય રીતે પાકિસ્તાનના અધિકારીઓને ટ્રસ્ટ અંગે જણાવવાની જરૂર નથી. શૌકત અઝીઝે અમેરિકામાં પણ તમામ કર ચૂકવી દીધા છે.

પેરેડાઇઝ પેપર્સમાં એનઆઇસીએલના પૂર્વ અધ્યક્ષ ઐયાઝ ખાન નિયાઝીનું નામ પણ આવ્યું છે. નિયાઝીના બ્રિટિશ વર્જિન આઇલેન્ડમાં ર૦૧૦માં સ્થાપિત ટ્રસ્ટ અને ત્રણ વિદેશી કંપનીઓ સાથે જોડાયા હોવાની વાત કહેવાઇ છે. નિયાઝીના ભાઇઓને તેના માલિક ગણાવાયા છે. જ્યારે તેના માતા પિતાએ ડિરેકટર તરીકે કામ કર્યું છે.

You might also like