‘મારી સ્થિતિ તો સ્પષ્ટ કરો, હું પ્રતિબંધિત છું કે મુક્ત?’

કરાચીઃ મેચ ફિક્સિંગ માટે આજીવન પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર સલીમ મલિકે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આઇસીસી સમક્ષ ક્રિકેટમાં તેની સ્થિતિને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવાની કાકલૂદી કરી છે. મલિકે કહ્યું, ”જ્યારે આઇસીસી અને પીસીબી ફિક્સિંગ માટે પ્રતિબંધનો સામનો કરનારા અન્ય ખેલાડીઓને બીજી તક આપી શકે છે તો પછી મને ક્રિકેટમાંથી મારુ ગુજરાન ચલાવવાથી શા માટે રોકવામાં આવી રહ્યો છે?”

મલિકને જણાવ્યું કે, ”સ્પોટ ફિક્સિંગ માટે પાંચ વર્ષનો પ્રતિબંધિતનો સામનો કરનારા એ ત્રણેય ખેલાડીઓની વાપસીથી હું ખુશ છું, પરંતુ હું હંમેશાં જસ્ટિસ મલિક કયૂમના તપાસ અહેવાલ દ્વારા મારા પર લગાવાયેલા ફિક્સિંગના આરોપો અને આજીવન પ્રતિબંધ સામે ઝઝૂમી રહ્યો છું. પીસીબીએ પણ કહ્યું છે કે મારા પર આજીવન પ્રતિબંધ નથી અને કાયદાકીય રીતે પણ આમ જ છે.” સલીમ મલિક હાલ બાવન વર્ષનો થઈ ઘયો છે અને તે પાકિસ્તાન તરફથી ૧૦૩ ટેસ્ટ અને ૨૮૩ વન ડે રમ્યો છે. મલિકે કહ્યું, ”કોર્ટે મારા પક્ષમાં ચુકાદો આપ્યો અને મેં પીસીબીને આ અંગેની જાણ પણ કરી. પીસીબીએ પણ આ અંગે આઇસીસીને જાણકારી આપી, પરંતુ એ વાતને પણ વર્ષ થઈ ગયાં છે અને આઇસીસી તરફથી હજુ આ અંગે કોઈ જવાબ આવ્યો નથી.”

You might also like