પાક.નાં પુર્વ ક્રિકેટરે ભારત બાંગ્લાદેશ વચ્ચેની મેચ ફિક્સ હોવાનો આરોપ લગાવ્યો

કરાંચી : પાકિસ્તાનનાં પૂર્વ ક્રિકેટર તૌસીફ અહેમદે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 વર્લ્ડ કપમાં રમાયેલી મેચ પર સવાલો ખડા કર્યા છે. પાકિસ્તાનનાં પુર્વ સ્પિનર તૌસીફે આ મેચની તપાસ કરવા માટે આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટને અપીલ કરી છે. કારણ કે તેને આ મેચનું પરિણામ શંકાસ્પદ લાગી રહ્યું છે. તૌસીફ અહેમદે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે આઇસીસીએ આ મેચની તપાસ કરવી જોઇએ.

તૌસીફે જણાવ્યું કે જે રીતે મેચનો અંત આવ્યો તે જોતા બધુ યોગ્ય હોય તેવું નથી લાગી રહ્યું. બાંગ્લાદેશે અંતિમ ઓવરમાં જે રીતે ભારતને જીત ઇનામમાં આપી દીધી તેમાં કોઇ તર્ક દેખાતો નથી. પૂર્વ સ્પિનર તોસીફ પાકિસ્તાન તરફતી 34 ટેસ્ટ અને 70 વનડે રમી ચુક્યા છે. તેને આ મેચની અંતિમ ઓવર ખુબ જ શંકાસ્પદ લાગી હતી. તેનાં મતે છેલ્લી ઓવરમાં જે રીતે ડ્રામેટિકલી ભારતનો વિજય થયો તે કોઇ પણ રીતે શક્ય નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ભારતનો 1 રનથી રોમાંચક વિજય થયો હતો. બાંગ્લાદેશને જીત માટે છેલ્લી ત્રણ બોલમાં 2 રનની જરૂર હતી. જો કે બાંગ્લાદેશ 2 રન બનાવવાનાં બદલે છેલ્લા ત્રણ બોલમાં 3 વિકેટ ગુમાવી હતી. અત્રે નોંધનીય છેકે હાર્દિક પંડ્યાને આનાં કારણે હેટ્રીકનો રેકોર્ડ મળ્યો જ્યારે ભારતને સેમી ફાઇનલની રેસમાં સ્થાન. જોકે બાંગ્લાદેશને આ પરાજય બાદ ખુબ જ સહન કરવાનો વારો આવ્યો હતો.

You might also like