પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા આખરે ભાજપમાં જોડાઈ ગયા

અમદાવાદ: શંકરસિંહ વાઘેલાના પુત્ર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાએ આજે ભાજપમાં જોડાઈને કેસરિયો ધારણ કરી લેતા તમામ અટકળોનો અંત આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી બે દિવસની અમદાવાદની મુલાકાતે છે.

તેઓની ગુજરાતમાં મુલાકાત બાદ કોંગ્રેસ પક્ષમાંથી હજુ પણ વધુ વિકેટ પડશે તેવી અટકળો ચાલતી હતી. છેવટે મહેન્દ્રસિંહ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે.

આજે બે દિવસ માટે યોજાયેલી યૂથ પાર્લામેન્ટમાં અમિત શાહે હાજરી આપી હતી. ગાંધીનગર નજીક આવેલી કર્ણાવતી યુનિવર્સિટીના કેમ્પસમાં અમિત શાહના હસ્તે મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપનો ખેસ પહેરીને પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો હતો. યૂથ પાર્લામેન્ટ ઓફ ઈન્ડિયાના ઉદ્ઘાટન સમયે અિમત શાહની સાથે મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ હાજરી આપી હતી.

રાજ્યની ૧૦૦ કોલેજ ખાનગી યુનિવર્સિટીઓ અને રાષ્ટ્રીય શૈક્ષણિક સંસ્થાઓને યુવા વિદ્યાર્થીઓને વર્તમાન રાજકીય સામાજિક પરિપ્રેક્ષ્યમાં ભાર હાલની સ્થિતિ અને ભાવિ વિશે અમિત શાહે સંબોધન કર્યું હતું. આવતી કાલે સમાપન સમારોહમાં કેન્દ્રીય પ્રધાનો પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યવર્ધનસિંહ રાઠોર ઉપસ્થિત રહેશે. યુથ પાર્લામેન્ટમાં ચાર વિષય પર ભાજપ અને કોંગ્રેસના મહાનુભાવો સંબોધન કરશે.

તેમાં પોંડીચેરીના લેફ. ગવર્નર ડો. કિરણ બેદી, ભાજપના સાંસદ ભૂપેન્દ્ર યાદવ, ડો. અનિલ જૈન, ડો. સુબ્રમણ્યમ સ્વામી, મિનાક્ષી લેખી, સંબિત પાત્રા, કોંગ્રેસના સુસ્મિતા દેવ અને અખિલેશ પ્રતાપસિંહનો સમાવેશ થાય છે.

રાજ્યસભાની ચૂંટણીના સમયે કોંગ્રેસ પક્ષ પર આક્ષેપો કરીને શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથે છેડો પાડીને નવી પાર્ટી રચી હતી. રાજકારણમાં મોટું નામ ધરાવતા શંકરસિંહની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં કોઈ કમાલ ન કરી શકી. ત્યારથી મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલતી હતી. બાયડના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલાનું કોંગ્રેસના કુંવરજી બાવળિયા પછી ટૂંકા સમયગાળામાં ભાજપમાં નવા અને જાણીતા ચહેરા તરીકે આગમન થયું છે.

રાજ્યમાં રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના રાજકારણમાં મોટા ભૂકંપો આવ્યા પછી પક્ષને તૂટતો બચાવવા તે સમયે ધારાસભ્યો બેંગ્લોર ખાતેના રિસોર્ટમાં રખાયા હતા. તે સમયે શંકરસિંહે કોંગ્રેસને અલવિદા કહી હતી.

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીની સીટ પરથી મહેન્દ્રસિંહને ચૂંટણી લડાવવાની શક્યતા છે. મહેન્દ્રસિંહને ભાજપમાં લાવીને ભાજપે ક્ષત્રિય અને ઠાકોર મતોનું રાજકારણ ખેલ્યું છે.

You might also like