ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન એન્ટોનીને બ્રેઈન હેમરેજઃ હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી: પૂર્વ સંરક્ષણ પ્રધાન એ. કે. એન્ટોનીને મામૂલી બ્રેઈન હેમરેજ થઈ જતાં તેમને રામમનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.  હોસ્પિટલના એક વરિષ્ઠ ચિકિત્સકે નામ નહિ આપવાની શરતે જણાવ્યું કે પૂર્વ સંરક્ષણ પ્રધાન ગઈ કાલે તેમના ઘરમાં પડી જતાં તેમને મામૂલી બ્રેઈન હેમરેજ થયું હતું. તેથી ૭૬ વર્ષીય એન્ટોનીને સારવાર માટે લઈ જવાયા હતા.

એ. કે. એન્ટોની કેરળના મુખ્યપ્રધાનપદે પણ રહી ચૂક્યા છે. તેઓ કેરળમાં સૌથી નાની વયે (૩૭ વર્ષની વયે) મુખ્યપ્રધાન બન્યા હતા. તેમને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના નજીકની વ્યકિત માનવામાં આવે છે. થોડા દિવસો પહેલાં રોહિંગ્યા મુદ્દે તેમણે આપેલા નિવેદનથી ચર્ચામાં આવ્યા હતા.

જેમાં તેમણે મોદી સરકાર રોહિંગ્યાઓને આશરો નહિ આપતી હોવાનું જણાવી સરકારની ટીકા કરતાં જણાવ્યું હતું કે ૭૦ના દાયકામાં ઈ‌િન્દરા ગાંધીએ અમેરિકાની અવગણના કરીને રોંહિગ્યાની સુરક્ષાની બાબતને ખાસ મહત્ત્વ આપ્યું હતું. તેમ જણાવી તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. જોકે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું. તેમને મગજ પર થોડી અસર થઈ હોવાથી તેમને સારવાર આપવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત અંગે કોઈ ખાસ ચિંતાજનક બાબત નથી.

You might also like