જીએસટી કાઉન્સિલના પ્રસ્તાવને કેબિનેટ આગામી સપ્તાહે મંજૂરી આપી શકે છે

નવી દિલ્હી: જીએસટી બિલ પર રાષ્ટ્રપતિની સહી બાદ સરકારે જીએસટી કાઉન્સિલની રચના કરવાની દિશામાં ઝડપથી કવાયત હાથ ધરી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આગામી સપ્તાહે મળનારી કેબિનેટની બેઠકમાં જીએસટી કાઉન્સિલની રચના કરવાના પ્રસ્તાવને મંજૂરીની મહોર લાગી શકે છે. આ કાઉન્સિલ જીએસટીના દર નક્કી કરશે એટલું જ નહીં, જીએસટી મોડલ બિલને અંતિ સ્વરૂપ આપશે. આ કાઉન્સિલના અધ્યક્ષ નાણાપ્રધાન હશે તથા તમામ રાજ્યના નાણાપ્રધાન કાઉન્સિલના સભ્ય તરીકે સામેલ થશે.

રેવન્યૂ સેક્રેટરી હસમુખ અઢિયાના જણાવ્યા પ્રમાણે આગામી કેબિનેટની બેઠક જ્યારે પણ હશે ત્યારે જીએસટી કાઉન્સિલની રચના કરવાના પ્રસ્તાવ ઉપર વિચાર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે જીએસટીમાં કઇ સેવાઓ અને ચીજવસ્તુઓ ઉપર ટેક્સ નહીં લાગે તેના ઉપર હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

દરમિયાન મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની અધ્યક્ષતાવાળી કમિટીએ મેરિટ ગુડ્સની શ્રેણીમાં કેટલીક ચીજવસ્તુઓને જીએસટીમાં બહાર રાખવા કે તેના ઉપર ખૂબ ઓછો ટેક્સ લગાવવાની ભલામણ કરી છે, જેમાં ખાદ્યતેલ, શાકભાજી, ઇંધણ જેવી રોજબરોજની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સામેલ છે.

You might also like