મોદી તમામ ચૂંટણી વચનો ભુલી ગયા : અણ્ણા હઝારે

રાલેગણ સિદ્ધી : યુપીએ અને એનડીએ સરકાર વચ્ચે કોઇપણ પ્રકારનું અંતર નથી તેવી વાત કરીને સામાજિક કાર્યકર અને ગાંધીવાદી નેતા અણ્ણા હઝારેએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોરદાર ઝાટકણી કાઢી હતી. સાથે સાથે અણ્ણાએ ચૂંટણી વચનો ભુલી જવા બદલ તેમને યાદ અપાવવાના પ્રયાસ કર્યા હતા. મોદીને સંબોધીને લખવામાં આવેલા ત્રણ પાનાના પત્રમાં અણ્ણા હઝારેએ કહ્યું છ ેકે, ભ્રષ્ટાચારને રોકવા માટે લોકપાલ અને લોકાયુક્તને અમલી બનાવવાની જરૂર છે.

સાથે સાથે દેશમાં ખેડૂતોની આત્મહત્યાને રોકવા માટે કૃષિ પેદાશ માટે ખેડૂતોને વાજબી ભાવ મળે તે જરૂરી છે. ૭૯ વર્ષીય અણ્ણા હઝારેએ વર્ષ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલા કેટલાક વચનો આપ્યા હતા જે પાળવામાં આવ્યા નથી. અણ્ણાએ યાદ અપાવતા કહ્યું છે કે, મોદીએ એ વખતે કહ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો દેશને ભ્રષ્ટાચારમુક્ત બનાવશે. ભ્રષ્ટાચારનું પ્રમાણ હજુ ઘટ્યું નથી. લાંચની ચુકવણી કર્યા વગર આજે પણ કોઇ કામ થઇ શકતું નથી.

મોંઘવારીમાં પણ સ્થિતિમાં સુધારો થયો નથી. મોંઘવારી આજે આસમાને છે. ભ્રષ્ટાચારના મામલામાં યુપીએ અને એનડીએ સરકાર વચ્ચે કોઇ અંતર નથી. તેમણે મોદીને યાદ અપાવતા કહ્યું છે કે, જ્યારે તેઓ પ્રથમ વખત સંસદમાં પ્રવેશ્યા હતા ત્યારે મંદિરની જેમ તેના ગૌરવને જાળવી રાખવાની વાત કરી હતી પરંતુ સંસદ સત્રમાં ખેંચતાણ અને દલીલોનો દોર ચાલુ રહ્યો છે. કરોડો રૂપિયા બરબાદ થઇ રહ્યા છે.

સંવેદનશીલ મુદ્દાને ઉઠાવતા અણ્ણાએ કહ્યું હતું કે, મોદીએ ૧૦૦ દિવસની અંદર કાળા નાણાને વિદેશથી પરત લાવવા અને બેંક ખાતામાં ૧૫ લાખ રૂપિયા દરેક ભારતીયને આપી દેવાની વાત કરી હતી પરંતુ આવું કોઇ કામ થઇ શક્યું નથી. ૧૫ લાખ રૂપિયાને ભુલી જઇએ તો લોકોને ૧૫ રૂપિયા પણ મળ્યા નથી. લોકપાલ અને લોકાયુક્ત અંગે મોદી કોઇ વાત કરી રહ્યા નથી.

અમને આશા હતી કે, આ બંનેને અમલી બનાવવામાં આવશે. ભ્રષ્ટાચારને રોકવાની દિશામાં હવે પહેલ કરવાની જરૂર છે. મન કી બાત કાર્યક્રમમાં પણ આનો ઉલ્લેખ કરવાની જરૂર છે. કૃષિ મોરચે સરકારે કૃષિ સમુદાયને ૧.૫ ગણો રિટર્ન આપવાની વાત કરી હતી પરંતુ આનું અમલીકરણ થઇ શક્યું નથી.

દેશભરમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ભૂતકાળમાં નરસિંહ રાવ તેમની સાથે કોઇક વખતે વાત કરતા હતા. વાજપેયી પણ ઘણી વખત તેમની સાથે વાત કરતા હતા. મનમોહનસિંહ પણ જવાબ આપતા હતા પરંતુ મોદી તેમના પત્રોનો જવાબ આપતા નથી. હઝારેએ રાજ્યના અહેમદનગર જિલ્લામાં પોતાના ગામથી આ મુજબની વાત કરી છે.

You might also like