ફોરેસ્ટ ઓફિસર અને ઇન્કમટેકસ ઇન્સ્પેકટર લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા

અમદાવાદ: રાજ્યના લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોએ એક ફોરેસ્ટ ઓફિસર અને એક ઇન્કમટેકસ ઇન્સ્પેકટરને લાંચ લેતા આબાદ ઝડપી લઇ ગુના દાખલ કર્યા છે.  લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લામાં વન વિભાગની નોર્મલ રેન્જના આરએફઓ ચંદ્રકાંત જોશીએ બે ધંધાર્થીઓ પાસે લાકડા ભરેલા ટેમ્પો અને ટ્રેકટરને પસાર થવા દેવા માટે રૂ.૧ર૦૦૦ની લાંચ માંગી હતી.

અરજદારે આ અંગે એસીબીમાં ફરિયાદ કરતા પોલીસે ટ્રેપ ગોઠવી લાંચની રકમ લેતા આરએફઓ ચંદ્રકાંત જોશીને આબાદ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત વાપી ખાતે ઇન્કમટેકસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર કલુરામે અગાઉ થયેલી ઇન્કમટેકસની રેડ સંદર્ભે પતાવટ કરવા માટે અરજદાર પાસે રૂ.૭પ૦૦૦ની લાંચની માંગ કરી હતી.

આ આઇટી ઇન્સ્પેકટરે ફરિયાદીને અગાઉની રેડ બાબતે દસ્તાવેજી પુરાવા સાથે ઇન્કમટેકસની ઓફિસે હાજર રહેવા જણાવ્યું હતું અને જો આ કેસની પતાવટ કરવી હોય તો રૂ.૭પ૦૦૦ની લાંચની રકમની માંગણી કરી હતી.

આ અંગે સુરત એસીબીમાં ફરિયાદ કરતા પોલીસે છટકું ગોઠવી ઉપરોકત ઇન્કમટેકસ ઇન્સ્પેકટરને લાંચની રકમ લેતા રંગે હાથ ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like