વન સંરક્ષક કચેરીનો એકાઉન્ટન્ટ ૨૦ હજારની લાંચ લેતાં ઝડપાયો

અમદાવાદ: દાહોદનાં દેવગઢબારિયા ખાતે આવેલી વન સંરક્ષક કચેરીનો એકાઉન્ટન્ટ લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ જતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. લાંચ-રુશ્વત વિરોધી બ્યૂરોના જણાવ્યા પ્રમાણે ઝાલોદના એક કોન્ટ્રાકટરે વન વિભાગના કવાર્ટ્સ બનાવવાનો કોન્ટ્રાક્ટ રાખ્યો હતો. કામકાજ પૂરું થઈ ગયા બાદ આ કોન્ટ્રાક્ટરે બિલ પાસ કરાવવા માટે કચેરી સમક્ષ રજૂ કર્યા હતા.

આ બિલ પાસ કરી દેવા માટે દેવગઢબારિયાની વન સંરક્ષક કચેરીમાં એકાઉન્ટ તરીકે ફરજ બજાવતા પંકજ જોશીએ કોન્ટ્રાકટર પાસે બાબતે રૂ.ર૦ હજારની લાંચની માગણી કરી હતી. આ મામલે કોન્ટ્રાકટરે કોલ રેકોર્ડ કરી દાહોદ એસીબીને માહિતી પૂરી પાડી હતી. આ માહિતીના આધારે લાંચ રુશ્વત બ્યૂરોના અધિકારીઓઅે દેવગઢબારિયાની વનસંરક્ષક કચેરીમાં જ છટકું ગોઠવ્યું હતું. દરમ્યાનમાં કોન્ટ્રાકટર લાંચનાં નાણાં આપવા માટે કચેરી ખાતે આવ્યા હતા અને એકાઉન્ટન્ટ પંકજ જોશીને લાંચની રકમ આપતાં જ એસીબીએ તેને ઝડપી લીધો હતો.

You might also like