અમદાવાદ જિલ્લામાં આરઆરસેલનો સપાટોઃ હરિયાણાથી રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો

અમદાવાદ: અમદાવાદ જિલ્લામાંથી પસાર થતી વિદેશી દારૂ ભરેલી ટ્રકોને ઝડપી લેવામાં જિલ્લા આરઆરસેલે સપાટો બોલાવ્યો છે. છેલ્લા અઠવાડિયામાં સૌરાષ્ટ્ર તરફ લઇ જવાતા વિદેશી દારૂના જથ્થાને આરઆરસેલની ટીમે ઝડપી પાડ્યો છે. ગત મોડી રાત્રે હરિયાણાથી રાજકોટ લઇ જવાતા રૂ.૧૭ લાખના દારૂના જથ્થાને આરઆરસેલે ભાયલા પાટિયા પાસેથી ઝડપી લીધો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, હરિયાણા, મુંબઇ અને રાજસ્થાનથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં આરામથી ઘુસાડાઇ રહ્યો છે. જેનું તાદૃશ ઉદાહરણ અમદાવાદ આરઆરસેલ અને જિલ્લા પોલીસે દર્શાવ્યું છે.

છેલ્લા એક અઠવાડિયામાં આરઆરસેલ અને જિલ્લા પોલીસની એસઓજી અને એલસીબીની ટીમે એક કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ગત મોડી રાત્રે આરઆરસેલની ટીમને બાતમી મળી હતી કે, હરિયાણાથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક ટ્રક સૌરાષ્ટ્ર તરફ જવા નીકળી છે. રાજસ્થાનથી શામળાજી બોર્ડર, હિંમતનગર થઇ બાવળા-બગોદરા હાઇવે પર આવવાની છે જેના આધારે આરઆરસેલની ટીમે ભાયલા પાટિયા નજીક વોચ ગોઠવી હતી.

દરમ્યાનમાં હરિયાણા પાસિંગની ટ્રક આવતાં પોલીસે તેને રોકી હતી. બંધ બોડીની ટ્રકમાં તપાસ કરતાં અલગ અલગ બ્રાન્ડની ૭પ૦૦ દારૂની બોટલો જેની ‌િંકમત રૂ.૧૭.ર૦ લાખ છે તે મળી આવી હતી. પોલીસે ટ્રક ડ્રાઇવર રાજકુમારસિંઘ જાટની ધરપકડ કરી હતી. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like