તહેવારોમાં વેચવા મગાવેલો એક કરોડનાે વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

અમદાવાદ: દિવાળીના તહેવારોની ઊજવણી માટે બુટલેગરો વિદેશી દારૂનો મોટાપાયે જથ્થો બહારના રાજ્યમાંથી લાવી ગુજરાતમાં ઠાલવતા હોય છે. પોલીસે મોડાસા, માળિયા-મિયાણા અને સુરત નજીકથી તહેવારો મનાવવા મગાવેલો અાશરે રૂ. એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ સઘન તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે સુરતના ઓલપાડ નજીક દિહેણ ગામની સીમમાંથી વિદેશી દારૂનો ભરેલું કન્ટેનર પસાર થઈ રહ્યું હોવાની જાણ થતાં જ પોલીસે નાકાબંધી કરી રૂ. ૬૦ લાખનાે વિદેશી દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર અને પાઇલટિંગ કરતી ચાર કાર ઝડપી લીધી હતી. અા કન્ટનરોમાં ચિક્કાર દારૂની પેટીઓ ભરેલી હતી.

તેમજ તહેવારો મનાવવા વધતી જતી દારૂની માગને પહોંચી વળવા બુટલેગરોએ ગુજરાતભરમાં વિદેશી દારૂ સપ્લાય કરવાનું શરૂ કર્યું છે. માળિયા-મિયાણા નજીક હાઈવે પરથી પોલીસે એક ટ્રકને ઝડપી લઈ ઝડતી કરતા સફેદ પાઉડરની બોરીઓ નીચે સંતાડેલો અાશરે રૂ. ૨૨ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી લઈ રાજસ્થાનના સુમેર રાણા અને સોના રાણા નામના બે શખસને ઝડપી લઈ અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અાજ પ્રમાણે મોડાસાના વાટણા ગામ નજીક વાહનચેકિંગ દરમિયાન પોલીસે એક ટ્રકને ઝડપી લઈ તેમાંથી પણ સફેદ પાઉડરની બોરી નીચે છુપાવેલો રૂ. ૧૭ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી લઈ રાજસ્થાનના બે શખસની ધરપકડ કરી હતી. અા જથ્થો અમદાવાદના એક કુખ્યાત બુટલેગરને પહોંચાડવાની કબૂલાત કરી હતી.

You might also like