વલસાડ નજીક સરોડ હાઈવે પરથી પાર્સલની અાડમાં લવાતો ૯૦૦ પેટી દારૂ ઝડપાયો

અમદાવાદ: દારૂબંધીના કડક અમલ બાદ બુટલેગરોએ બહારના રાજ્યમાંથી વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાના નીતનવા પેંતરા અજમાવાનું શરૂ કર્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે વલસાડ નજીક સરોડ હાઈવે પરથી એક કન્ટેનર ઝડપી લઈ પાર્સલની અાડમાં છુપાવેલો વિદેશી દારૂનો જંગી જથ્થો જપ્ત કરી એક શખસની ધરપકડ કરી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ અધિકારીને બાતમી મળી હતી કે પંજાબમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરી એક કન્ટેનર ગુજરાત તરફ અાવી રહ્યું છે. અા બાતમીના અાધારે પોલીસે વલસાડ હાઈવે પર વોચ ગોઠવી હતી. રાત્રી દરમિયાન વલસાડ નજીક સરોડ હાઈવે પરથી એક કન્ટેનર પસાર થતાં પોલીસે તેને રોકી તલાશી લીધી હતી પરંતુ અા કન્ટેનરમાં પાર્સલ ભર્યાં હતાં. અામ છતાં પોલીસને શંકા જતાં પાર્સલ ખસેડી ઝડતી કરતા પાર્સલની નીચે છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ભરેલી ૯૦૦ પેટી મળી અાવી હતી.

અા વિદેશી દારૂનો જથ્થો સુરત અને વડોદરાના બે કુખ્યાત બુટલેગરે મગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થા સાથે રૂ. ૭૫ લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખસની ધરપકડ કરી છે. અા વિદેશી દારૂનો જથ્થો પંજાબથી દિલ્હી અને ઉત્તરપ્રદેશ થઈ ગુજરાતમાં લવાયો હોવાનું જાણવા મળ્યું છે.

શીલજ સર્કલ નજીકથી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
અમદાવાદ: સરદાર પટેલ રિંગરોડ પર આવેલા શીલજ સર્કલ નજીકથી અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમે દારૂનો જથ્થો ઝડપી લીધો છે. પોલીસે પ૦ હજારના દારૂ અને બિયરની બોટલો સાથે બે આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ અમદાવાદ (ગ્રામ્ય) એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સરદાર પટેલ રિંગરોડ પર એક આઇટેન કારમાં દારૂનો જથ્થો આવી રહ્યો છે, જેના આધારે ટીમે શીલજ સર્કલ પાસે વોચ ગોઠવી હતી. એક આઇટેન કાર આવતાં તેને રોકી તપાસ કરતાં ૪૮ દારૂની બોટલ અને ૪૩ર બિયરનાં ટીન મળી આવ્યાં હતાં. કારમાં બેઠેલા શખસોનાં નામ પૂછતાં પિન્ટુ લક્ષ્મણભાઇ બારોટ (રહે. વાવોલ, ગાંધીનગર) અને રાકેશ ઝાલા (રહે. સદાતપુરા, સાબરકાંઠા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કાર અને દારૂનો જથ્થો મળી રૂ.૬.૧૯ લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાં અને કોને આપવાનો હતો તેની પૂછપરછ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like