કચ્છ લઇ જવાતો લાખોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

અમદાવાદ: નેશનલ હાઇ વે નં.૮ પર ચીખલી નજીકથી પોલીસે વિદેશી દારૂ ભરેલી આખી ટ્રક ઝડપી લઇ દારૂના જંગી જથ્થા સાથે રૂ.પપ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ જથ્થો કચ્છના એક કુખ્યાત બુટલેગરને પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું છે.

રેન્જ આઇજીપીની ટીમને બાતમી મળી હતી કે વિદેશી દારૂનો જંગી જથ્થો ભરેલી હરિયાણા પાસિંગની એક ટ્રક નેશનલ હાઇ વે નં.૮ પાસે ચીખલી થાલા નજીકથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસે શિવકૃપા હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાતના ૩-૦૦ વાગ્યે બંધ બોડીની ટ્રક પૂરઝડપે પસાર થતાં પોલીસે તેનો પીછો કરી ઝડપી લઇ જડતી કરતાં પીઓપી પાઉડરની થેલીઓની પાછળ છુપાવેલી વિદેશી દારૂ ભરેલી ૭૧૮ પેટી મળી આવી હતી.

પોલીસે હરિયાણાના સાહેબસિંહ મખનસિંહ, કુંદનદાસ અને સુખવિંદરસિંહ નામના ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. કબજે લેવાયેલા વિદેશી દારૂના જથ્થાની કિંમત રૂ.પપ,૦૦૦ થવા જાય છે. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન આ જથ્થો કચ્છના એક કુખ્યાત બુટલેગરને પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું છે.

You might also like