વિદેશી દારૂનો જથ્થો ઝડપાયોઃ રૂ.૧ કરોડનો મુદ્દામાલ કબજેઃ બુટલેગરો નાસી છૂટ્યા

અમદાવાદ: દેવગઢબારિયા નજીક આવેલા બામરોલી ગામમાં એક બુટલેગરના ઠેકા પર વિદેશી દારૂનું કટિંગ ચાલુ હતું ત્યારે પોલીસે છાપો મારતાં બુટલેગરો અને તેના મળ‌િતયાઓએ નાસભાગ કરી મૂકતા ઉત્તેજના છવાઇ હતી. પોલીસે ત્રણ વાહનો અને વિદેશી દારૂના જથ્થા સહિત આશરે રૂ.૧ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે છોટાઉદેપુર નજીક આવેલા મીઠીબોર ગામના બુટલેગર ભીખા રાઠવા અને માંડવ ગામના બુટલેગર કલસીંગ સુરસીંગ બારીયાએ રાજસ્થાનથી એક કન્ટેનર ભરી વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. બામરોલી ગામમાં આવેલા સલાટ ફળીયામાં આ કન્ટેનર પાર્ક કરી નાના નાના વાહનોમાં વિદેશી દારૂ ભરવાનું કટિંગ ચાલતું હતું ત્યારે પોલીસે ઓચિંતો છાપો મારતા ભારે દોડધામ મચી ગઇ હતી. રાત્રીના અંધારાનો લાભ લઇ બંને બુટલેગરો નાસી છૂટ્યા હતા.

પોલીસે કન્ટેનરના ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી પૂછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મીઠીબોરના બુટલેગરે મંગાવ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો ભરેલી સંખ્યાબંધ પેટીઓ તેમજ ત્રણ વાહનો સાથે રૂ. એક કરોડનો મુદ્દામાલ કબજે કરી આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like