વિદેશી રોકાણકારોએ બે સપ્તાહમાં રૂ. ૫,૪૦૦ કરોડનું રોકાણ કર્યું

મુંબઇ: ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સે ભારતમાં ઓગસ્ટ મહેનાના પ્રથમ બે સપ્તાહમાં રૂ. ૫,૪૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. સકારાત્મક વૈશ્વિક ટ્રેન્ડ તથા સંસદના ચોમાસું સત્રમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ પસાર થવાને કારણે વિદેશી રોકાણકારનું સ્થાનિક શેરબજારમાં રોકાણ વધ્યું છે. ઉલ્લેખનીય છે કે પાછલા મહિને વિદેશી રોકાણકાર દ્વારા સ્થાનિક બજારમાં રૂ. ૧૨,૬૧૮ કરોડથી વધુનું રોકાણ કર્યું છે, જે પાછલાં ચાર મહિનાના ઉચ્ચતમ સ્તરે રોકાણ જોવાયું છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે વિદેશી રોકાણકાર માર્ચથી સ્થાનિક શેરબજારમાં સતત રોકાણ વધારી રહ્યા છે. તેમના મત મુજબ બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજના દરમાં ઘટાડો કરવાના કારણે સ્થાનિક ભારતીય બજારમાં વિદેશી રોકાણકાર દ્વારા રોકાણ વધ્યું છે. એટલું જ નહીં જીએસટી બિલ પસાર થવાને કારણે તેની સકારાત્મક અસર પડી છે અને તેથી રોકાણ વધ્યું છે. નોંધનીય છે કે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં માર્ચથી અત્યાર સુધીમાં રૂ. ૫૧ હજાર કરોડથી વધુનું રોકાણ કર્યું છે.

You might also like