વિદેશી રોકાણકારોનું ભારતમાં આકર્ષણ ઘટ્યું

મુંબઇ: દુનિયામાં ઊભરતા બજાર તરીકે વિદેશી પોર્ટપોલિયો રોકાણકારોમાં ભારતની લોકપ્રિયતામાં ઘટાડો થઇ રહ્યો છે. ઇમર્જિંગ માર્કેટ ફંડની ભારત માટેની ઓવરવેઇટ પોઝિશન ૨૦૧૫ પછી એક તૃતીયાંશ જેટલી ઘટી છે. મોંઘા વેલ્યુએશન અને અર્નિંગ રિકવરીની ચિંતાના કારણે રોકાણકારોના ભરોસાને અસર થઇ છે.

હાલનું ઓવરવેઇટ એમએસસીઆઇ ઇમર્જિંગ માર્કેટ ઇન્ડેક્સ વેઇટ કરતાં ૧.૪૫ ટકા વધુ છે, જે જાન્યુઆરી-૨૦૧૫માં ઓવરવેઇટ ૪.૪ ટકા હતું, જે સૌથી ઊંચો સ્તર હતો. લંડન સ્થિત કોટલી ફંડ રિસર્ચે ડેટા જાહેર કર્યો છે, જે વૈશ્વિક ઊભરતાં ઇક્વિટી બજારમાં વિશ્લેષણ પર આધારિત છે. ફંડે ૧૨૬ ગ્લોબલ ઇમર્જિંગ માર્કેટ ફંડના સરેરાશ પોર્ટફોલિયો વેઇટેજ અને એમએસસીઆઇ ઇએમ ઇન્ડેક્સ ઓવરવેઇટના આધારે ડેટા રજૂ કર્યો છે.

કોઇ ફંડ જ્યારે ચોક્કસ દેશ, સ્ટોક અથવા સેક્ટરના તેના બેન્ચમાર્ક કરતાં વધુ રોકાણ કરે ત્યારે તેને ઓવરવેઇટ કહેવામાં આવે છે.
ફંડના સંચાલકના કહેવા પ્રમાણે મોટા ભાગની ઊંચી પોઝિશન મોદી વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે હતી. જે તે સમયે રોકાણકારોને આશા હતી કે ભારત પ્રચંડ ક્ષમતા બતાવી બહાર આવશે, પરંતુ આવું ખરેખર થયું છે કે નહીં તે વિશે શંકા છે. ઊભરતા બજારના રોકાણકારોના કોન્ફિડન્સને અસર થઇ છે. નોંધનીય છે કે એફઆઇઆઇએ ઇક્વિટી બજારમાં ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં અત્યાર સુધીમાં રૂ. ૨૬,૦૦૦ કરોડથી વધુ રોકાણ પાછું ખેંચી લીધું છે.

You might also like