વિદેશી રોકાણકારોએ સળંગ ત્રીજા મહિને નાણાં પાછાં ખેંચ્યાં

અમદાવાદ: અમેરિકામાં બોન્ડ યીલ્ડ વધતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરમાં વધારો કરાય તેવી શક્યતાઓ પાછળ તથા સ્થાનિક મોરચે નોટબંધીના કારણસર વિદેશી સંસ્થાગત રોકાણકારો દ્વારા સતત વેચવાલી જોવા મળી રહી છે. ઓક્ટોબર અને નવેમ્બર બાદ સળંગ ત્રીજા ડિસેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી જોવા મળી છે. ચાલુ મહિનામાં વિદેશી રોકાણકારો દ્વારા રૂ. ૮૦૦ કરોડથી પણ વધુની ઇક્વિટી બજારમાં વેચવાલી કરાઇ છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર મહિનામાં એફઆઇઆઇએ રૂ. ૪,૯૯૦.૧૨ કરોડની વેચવાલી કરી હતી, જ્યારે નવેમ્બર મહિનામાં રૂ. ૧૭,૭૩૬.૯૫ કરોડની સ્થાનિક ઇક્વિટી બજારમાં વેચવાલી કરી હતી. આમ, ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં વિદેશી રોકાણકારોએ રૂ. ૨૨,૭૨૭.૦૭ કરોડની વેચવાલી કરી હતી. આ અગાઉ એફઆઇઆઇએ માર્ચથી સપ્ટેમ્બર એમ સળંગ સાત મહિનામાં સ્થાનિક ઇક્વિટી બજારમાંથી રૂ. ૬૫,૨૦૦ કરોડ કરતાં વધુની ખરીદી કરી છે.
http://sambhaavnews.com/

You might also like