વડવાઓ આખરે વડવાઓ જ રહેવાના

આપણા વડવાઓ (સાત-આઠ પેઢી જૂના નહીં પરંતુ ઉત્ક્રાંતિ સમયના આપણાં વડવાઓ) એટલે વાનર. ચિમ્પાન્ઝી તેમજ લંગૂર જેવી વિવિધ જાતોમાંથી ચિમ્પાન્ઝીની ઘણીખરી સરખામણી માનવીઓ સાથે કરવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાના રક્ષિત જંગલમાં એક ચિમ્પાન્ઝીએ એક સાથે એક ડઝન નારંગી ઊંચકી અને તેના રહેઠાણના સ્થળે લઈ ગયો. દક્ષિણ આફ્રિકાના જેન ગૂડાલ ઈન્સ્ટિટ્યૂટે હાલ એક વીડિયો અપલોડ કર્યો છે, જેમાં એક ભૂખ્યો ચિમ્પાન્ઝી નારંગી ઊંચકીને જતો દેખાઈ રહ્યો છે.

ચિમ્પાન્ઝી સામાન્ય રીતે જે-તે સ્થળે બેસીને જ ફળો આરોગી લે છે અથવા આટલાં બધાં ફળ કેવી રીતે ઊંચકવાં તેના પર કોઈ વિશેષ ધ્યાન આપતા નથી. જોકે માનવી માટે પણ એક ડઝન નારંગી બંને હાથમાં સમાવી ઊંચકવું થોડું મુશ્કેલ થઈ પડે. તેથી જ એક ડઝન નારંગી કેવી રીતે ઊંચકવી તેવું લોકોને શીખવાડવા આ વાનરનો વીડિયો બનાવાયો જેને નામ આપવામાં આવ્યું ‘એક ડઝન નારંગી કેવી રીતે ઊંચકવી’.

કદાચ આ વાનરનો ઉત્ક્રાંતિકાળ ચાલતો હશે તેથી તેણે એક ડઝનથી પણ વધુ નારંગી એકઠી કરી અને બંને હાથે તેને ઊંચકી. ઉપરાંત એક પણ નારંગી નીચે ન પડી જાય તે માટે હાથના અંગૂઠા અને મોઢા વડે દાબીને પણ રાખી. હાલ તો આ વાનરના બુદ્ધિચાતુર્ય અને કુશળતાનાં આ વિસ્તારમાં ફરતાં સંશોધકોમાં સારાં એવાં વખાણ થઈ રહ્યાં છે અને તેને ‘મોગલી’ એવું નામ પણ અપાયું છે.

You might also like