ફોર્બ્સની ૩૦ વર્ષથી ઓછી વયની સફળ વ્યક્તિઓની યાદીમાં ૪૫ ભારતીયને સ્થાન

ન્યૂયોર્ક : ફોર્બ્સની ૩૦ વર્ષથી ઓછી વયની સફળ વ્યક્તિઓની વાર્ષિક યાદીમાં વિવિધ ક્ષેત્રોમાં તદ્દન નવી પરિસ્થિતિનું નિર્માણ કરનારા ૪૫ ભારતીય અને ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે. ફોર્બ્સની અંડર ૩૦ની યાદીમાં ૬૦૦ પુરુષ-મહિલાઓનો સમાવેશ થાય છે, જે અમેરિકાના સૌથી મહત્વપૂર્ણ યુવા ઉદ્યમી, રચનાત્મક નેતૃત્વ અને ઝળહળતા સિતારા છે. આ તમામ લોકો ટેકનોલોજી, શિક્ષણ, મીડિયા, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રી, કાયદો અને નીતિ, વિજ્ઞાન અને કલાના ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.

ફોર્બ્સે જણાવ્યું હતું કે પહેલા વ્યવસાયિક સફળતા માટે યુવાવસ્થા અવરોધરૂપ માનવામાં આવતી હતી. પરંતુ હવે એવું નથી.જે લોકો ટેકનોલોજીના યુગમાં મોટા થયા છે તેમની મહત્વાકાંક્ષાઓ પણ મોટી છે.કન્ઝ્યુમર ટેકનોલોજી વિભાગમાં ૨૨ વર્ષના રિતેશ અગ્રવાલ છે, જે ઓયો રૂમ્સના સંસ્થાપક અને સીઈઓ છે. ફોર્બ્સે જણાવ્યું હતું કે જે દેશોમાં ઓછા ભાડા વાળી હોટલ શ્રેણીની ઉપલબ્ધતા ઓછી છે તેવા ભારતના ૧૦૦ શહેરોમાં ૨,૨૦૦ નાની હોટલોનું નેટવર્ક તૈયાર કર્યું છે.

આ યાદીમાં મોબાઈલ એપ્લિકેશન સ્પ્રિંગના સહસંસ્થાપક ગગન બિયાણી અને નીરજ બેરીનો પણ સમાવેશ થાય છે. આ એપ્લિકેશન લોકોને હાઈજેનિક ફૂડ શોધવામાં અને મંગાવવા તથા તે ઝડપથી પહોંચાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત ૨૫ વર્ષની કરિશ્મા શાહનું પણ આ યાદીમાં નામ છે જે આલ્ફાબેટના ગૂગલ એક્સ સાથે સંકળાયેલી છે.હોલિવુડ અને મનોરંજન ક્ષેત્ર સાથે સંકળાયેલી ૨૭ વર્ષની કેનેડાની લિલી સિંહ પણ આ યાદીમાં સામેલ છે જે લેખક અને હાસ્ય કલાકાર છે.

ભારતીય મૂળના અન્ય સફળ લોકોમાં નીલા દાસ પણ છે જે સિટી ગ્રૂપની ઉપાધ્યક્ષ છે. ૨૯ વર્ષની દિવ્યા નેહિમી વાઈકિંગ ગ્લોબલ ઈન્વેસ્ટરમાં ઈન્વેસ્ટર એનાલિસ્ટ છે. આ યાદીમાં વિકાસ પટેલનું નામ પણ છે જે હેજ ફંડ મિલેનિયમ મેનેજમેન્ટમાં સિનિયર એનાલિસ્ટ છે. ૨૯ વર્ષના નીલ રાય કૈક્સટન એસોસિએટ્સમાં ઈન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ છે અને ત્રણ લોકોની ટીમના એક ભાગ છે જે ૬૦ કરોડ જોલરના પોર્ટફોલિયોવાળા મોટા હેજ ફંડનું સંચાલન કરે છે.

You might also like