સુરતની બેઠક માટે કોંગ્રેસમાં બે દાવેદારોના કારણે કોકડું ગૂંચવાયું

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: કોંગ્રેસ માટે મહત્ત્વપૂર્ણ ગણાતી સુરત બેઠક માટે ઉમેદવારની પસંદગીમાં ગૂંચવાયેલું કોકડું સહેલાઈથી ઉકેલાય તેમ લાગતું નથી. ગઈ લોકસભાની ચૂંટણીમાં સ્થાનિક ઉમેદવાર નૈષધ દેસાઈને કોંગ્રેસે ટિકિટ આપી હતી, જોકે કોંગ્રેસમાં આ વખતે તેમને રિપીટ કરાય તેવી શક્યતા નહીંવત્ છે, કેમ કે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા ભાવનગરના બે દાવેદારોએ ટિકિટ મેળવવાની હોડમાં ઝંપલાવ્યું હોઈ ઉમેદવારની પસંદગી માટે કશ્મકશ સર્જાઈ છે.

સુરતના કતારગામ અને વરાછા વિસ્તારમાં પાટીદાર સમાજને ટિકિટ આપવાનાં કમળ અને પંજાના નિશાન સાથેનાં બેનર લાગતાં ભાજપમાં પણ કકળાટ શરૂ થયો છે, પરંતુ જૂનાગઢમાં છેલ્લી ૨૦૧૪ની લોકસભા ચૂંટણી હારનાર પુંજા વંશને જે રીતે ગઈ કાલે કોંગ્રેસ હાઈકમાન્ડે ‘રિપીટ’ થિયરી હેઠળ ફરીથી ટિકિટ આપીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે તે પ્રકારે સુરતમાં ‘રિપીટ’ થિયરી શક્ય બનવાની નથી.

આમ તો નૈષધ દેસાઈ પક્ષના નિરીક્ષકો સમક્ષ ફરીથી લોકસભા ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી ચૂક્યા છે, પરંતુ પાટીદાર સમાજમાંથી ઘનશ્યામ લાખાણી અને અશોક બધેવડાનાં નામ સંભવિત ઉમેદવાર તરીકે મજબૂત રીતે ઊતર્યા હોય હાઈકમાન્ડ મૂંઝવણમાં મુકાયું છે. ઘનશ્યામ લાખાણી સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલા છે તો અશોક બધેવડા પ્રદેશ કોંગ્રેસ મંત્રી છે. આ બંને દાવેદારોને સુરતની ડાયમંડ લોબી, બિલ્ડર લોબી વગેરેનું પરોક્ષરૂપે સમર્થન હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

દિલ્હીમાંથી પહેલી યાદીમાં ચાર, બીજી યાદીમાં બે અને ગઈ કાલે પ્રસિદ્ધ કરાયેલી ત્રીજી યાદીમાં છ બેઠક મળીને કુલ ૨૬ બેઠક પૈકી ૧૨ બેઠકોના ઉમેદવારનાં નામની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. હજુ અમદાવાદ (પૂર્વ), ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરત, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ભરૂચ, દાહોદ, બારડોલી, ભાવનગર અને ખેડા બેઠકના ઉમેદવાર પસંદ કરાયા નથી. એકાદ-બે િદવસમાં દિલ્હીથી ઉમેદવારોનાં નામની ચોથી યાદી પ્રસિદ્ધ કરીને તેમાં વધુ છ બેઠકના ઉમેદવારનો સમાવેશ કરાશે તેવી અટકળો થઈ રહી છે.

You might also like