વ્યાજની વસૂલાત માટે યુવકને 31 કલાક ગોંધી રાખી ઢોર માર માર્યો

(પ્રતિનિધિ દ્વારા
અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક સુધી ગોંધી રાખીને માર મારવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે. યુવકનું માધુપુરાથી ચપ્પાની અણીએ અપહરણ કર્યા બાદ તેને કાલુપુર અને જુહાપુરાના મકાનમાં ગોંધી રાખ્યો હતો.

જ્યાં તેને પાંચ લોકોએ લાકડી, પાઇપ અને પટ્ટાથી ઢોર માર માર્યો હતો. ગઇ કાલે બે અપહરણકર્તા યુવકને રિવરફ્રન્ટ પર મારતા હતા ત્યારે પોલીસે ત્યાં પહોંચી ગઇ હતી અને તેને બચાવી લીધો હતો. પોલીસે બે યુવકોની ધરપકડ કરીને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો છે.

સરસપુર વિસ્તારમાં આવેલ પરમાનંદ પટલની ચાલીમાં રહેતા અને વાહનોની લે વેચ કરતા ફરીદ એહમદ અંસારીએ માધુપુરા પોલીસ સ્ટેશનમાં પાચ શખ્સો વિરુદ્ધમાં અપહરણ અને માર મારવાની ફરિયાદ કરી છે. ફરિયાદમાં કરેલા આક્ષેપ પ્રમાણે ત્રણ મહિના પહેલા કાલુપુરમાં રહેતા અસ્લમખાને ફરીદ એહમદની મુલાકાત સલમાન તેમજ અમીનાઆપા સાથે કરાવી હતી.

ફરીદ અહેમદને ધંધાનું કામ હોવાથી અસલમખાને તેની મુલાકાત કરાવી હતી. મુલાકાત દરમિયાન અમીનાએ ફરીદને જણાવ્યુ હતું કે ધંધા માટે રૂપિયાની જરૂર હોય તો કહેજો. અમીનાની વાત સાંભળતાં જ ફરીદે છ લાખ રુપિયાની માગણી કરી હતી. અમીનાએ ફરીદને છ લાખ રૂપિયા આપ્યા હતા જે રૂપિયા તેને ધંધામાં રોકાણ કર્યા હતા. ગત મહિને સલમાન અને સાહિદ ફરીદ અહેમદની દુકાન પર રૂપિયાની ઉઘરાણી કરવા માટે આવ્યા હતા.

ફરીદને ધંધામાં નુકસાન થયું હોવાથી તેને સલમાન અને સાહિદ પાસે ટાઇમ માંગ્યો હતો. જોકે ઉશ્કેરાયેલા સલમાને ફરીદને ધમકી આપી હતી અને છ લાખ મૂડી અને ત્રણ લાખ રૂપિયા વ્યાજ સાથે કુલ નવ લાખની માગણી કરી હતી. બન્ને જણા ફરીદને ધમકી આપીને જતા રહ્યા અને કહ્યુ હતું કે અમારા પૈસા આપી દે તને કોઇ ભાઇ કે પોલીસ બચાવી નહીં શકે. ત્યારબાદ અવારનવાર સલમાન ફરીદને ફોન પર ધમકી આપતો હતો. સોમવારના દિવસે ફરીદ તેની દુકાન પર હાજર હતો ત્યારે બપોરે બાર વાગ્યાની આસપાસ સલમાન, સાહિદ અને બીજા બે માણસો આવ્યા હતા.

અસલમખાન અને સાહિદે ચાઇનાનું ચપ્પુ બતાવીને ફરીદને કહ્યું હતું કે ચુપચાપ ગાડીમાં બેસી જા. સલમાનની વાત સાંભળીને ફરીદે ભાગવાની કોશિશ કરી હતી જોકે ચારેય જણાએ તેને જબરજસ્તી રિક્ષામાં બેસાડી દીધો હતો. જેમાં સલમાને તેને મોં દબાવી દીધું હતું. ચારેય જણા ફરીદનું અપહરણ કરીને કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડારી પોળમાં અમીનાના ધરે લઇ ગયા હતા.

અમીનાએ એક રૂમમાં ફરીદને પુરી દીધો હતો અને તેને માર માર્યો હતો. આમીના, સાહીદ સિરાજ, સલમાન, અબ્દુલ રહીમ અને અબરાર ફરીદને લાકડી, બેઝબોલ તેમજ પટ્ટા વડે મારવા લાગ્યા હતા. આખો દિવસ સુધી ફરીદને આમીનાના ઘરે માર માર્યા બાદ તેને સ્કૂટર પર બેસાડીને મધુરમ સિનેમા પાસે લઇ ગયા હતા.

ત્યારબાદ સલમાન, સાહિદ, અબ્દુલ અને અબરાર ફરીદને કારમાં બેસાડીને જુહાપુરા ખાતે આવેલ અમીનાઆપાની બહેનના ઘરે લઇ લઇ ગયા હતા. અમીનાની બહેને ફરીદને ધમકાવીને કહ્યું હતુંકે તું આમના રૂપિયા આપી દે નહીં તો તને ખૂબ મારશે. આખી રાત ચારેય જણાએ ફરીદને જુહાપુરાના એક મકાનમાં ગોંધી રાખ્યો હતો અને માર મારવાનું ચાલુ રાખ્યું હતું.

મોડી રાત્રે ફરીદના પગમાંથી લોહી નીકળતાં સાહિદ અને અબરાર તેને એક હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં તેને ધમકી આપી હતીકે સીડીથી પડી ગયો તેવું કહેજે નહીં તો વધુ મારીશું. ડોક્ટરે લોહી નીકળવાનું કારણ પૂછતાં ફરીદે સીડીઓથી પડી ગયો હોવાનું કહ્યું હતું. સારવાર બાદ ફરીદને કારમાં બેસાડીને જમાલપુરથી રિવરફ્રન્ટના રોડ પરથી સરખેજ જતા હતા ત્યારે બન્ને જણાએ સુમસામ જગ્યા જોઇને કાર ઊભી રાખી હતી.

રિવરફ્રન્ટ પર કાર ઊભી રાખ્યા બાદ તેમને ફરીદને બહાર કાઢ્યો હતો અને મારમારવા લાગ્યા હતા. બન્ને જણા ફરીદને મારતા હતા ત્યારે અચાનક પોલીસ આવી ગઇ હતી અને તેને બચાવી લીધો હતો. પોલીસે ફરીદને મારતા બે યુવકોને પકડી પાડ્યા હતા. રિવરફ્રન્ટ પોલીસે સમગ્ર મામલે માધુપુરા પોલીસને જાણ કરતાં તેમણે પાંચ લોકો વિરુદ્ધમાં અપહરણનો તેમજ માર મારવાનો ગુનો દાખલ કર્યો હતો.

You might also like