રખડતાં ઢોર પકડવાનો વિભાગ છેલ્લા અઢી મહિનાથી નધણિયાતો

અમદાવાદ: ગઇ કાલે અસારવા વિસ્તારમાં રખડતાં ઢોર પકડવા ગયેલા મ્યુનિસિપલ તંત્રના સીએનસીડી વિભાગની ટીમ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થતાં મામલો બિચક્યો હતો. જેના કારણે આજે સ્થાનિકોએ અસારવા બંધનું એલાન આપ્યું છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સમગ્ર સીએનસીડી વિભાગ છેલ્લા અઢી મહિનાથી નધણિયાતો છે.

હાઇકોર્ટના આદેશને પગલે ગત તા.૧૮ ઓગસ્ટ ર૦૧૭થી તંત્ર દ્વારા શહેરભરમાંથી રખડતાં ઢોરને પકડવા માટે રાઉન્ડ ધી કલોક ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં સત્તાવાળાઓએ ત્રણ ટીમ બનાવીને ઢોરને પકડવાનું અભિયાન વેગવંતું બનાવ્યું હતું તે સમયે સીએનસીડી વિભાગના હયાત સ્ટાફ ઉપરાંત વધુ ર૦ કર્મચારીને કામે લગાડાયા હતા.

સીએનસીડી વિભાગ તરફ સત્તાવાળાઓની ઉપેક્ષાના કારણે ઢોર પકડવા માટે ફક્ત ચાર ટ્રેલર હતાં એટલે વધારે ઢોર પકડવા વધુ ચાર ટ્રેલર ખરીદવાની દરખાસ્ત સીએનસીડી વિભાગ દ્વારા તંત્રને કરાઇ હતી. આ ઉપરાંત અમુક વિસ્તારમાં સ્ટાફ પર કેટલાક લોકો હિંસક હુમલો કરતા હોઇ ઢોર પકડવા જતી વખતે સ્ટાફને સઘન સુરક્ષા પૂરી પાડવા વધારાનો પોલીસ બંદોબસ્ત ફાળવવા છ ટાટા સુમો ખરીદવાની પણ દરખાસ્ત તંત્ર સમક્ષ મુકાઇ હતી.

આજે આઠ મહિના બાદ પણ સ્થિતિ ‘જૈસે થે’ છે. તેમાં પણ અઢી મહિના પહેલાં સીએનસીડી વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ ડો.જયંત કાચા રાજ્ય સરકારમાં પરત ફરતાં આજે પણ આટલો મહત્વપૂર્ણ વિભાગ હવાલાથી ચાલી રહ્યો છે. સ્લોટર હાઉસના આસિ.સુપરિન્ટેન્ડેન્ટ ડો.પ્રતાપસિંહ રાઠોડ પાસે સીએનસીડી વિભાગનો હવાલો છે. દરમ્યાન અસારવાનાં ઘર્ષણને મામલે તંત્ર દ્વારા ગઇ કાલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઇ છે.

You might also like