કૃષ્ણનગર પોલીસ સ્ટેશન માટે નરોડામાં જમીન ફાળવવા ચક્રો ગતિમાન

અમદાવાદ: મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા શહેર પોલીસને નવાં નવાં પોલીસ સ્ટેશન કે નવી પોલીસ ચોકી બનાવવા માટે જમીન ફાળવવાની નીતિ મુજબ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનનાં નિર્માણ માટે નરોડામાં પ્લોટ આપવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે.

આવતી કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં મ્યુનિસિપલ એસ્ટેટ મધ્યસ્થ કચેરી દ્વારા પોલીસ વિભાગને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બનાવવા સારું નરોડામાં રેવન્યુ સર્વે નંબર ૭૮૪/૧, ૭૮૪/૨, ૭૬૩/૨ પૈકી પાર્ટ-બીની ૧૫૦૦ ચોરસ મીટર જમીન હાલ નોન ટીપી વિસ્તારમાં આવી હોઈ આપવાની દરખાસ્ત મુકાઇ છે.

ભવિષ્યમાં જ્યારે પણ ટીપી સ્કીમનું આયોજન થાય તે સમયે સંબંધિત તંત્રના તમામ નિર્ણય પોલીસ ખાતાને બંધનકર્તા રહેશે તેવી શરતથી માર્કેટ વેલ્યુ મુજબનું પ્રિમિયમ તેમ જ વીસ વર્ષનું એડ્વાન્સ ભાડું અને ૨૦ વર્ષની એડ્વાન્સ જમીન મહેસૂલ વસૂલ લઈ ૯૯ વર્ષના ભાડાપટ્ટે આપવા સહિતની તમામ કાર્યવાહીની સત્તા મ્યુનિસપલ કમિશનરનો ઉલ્લેખ પણ આ દરખાસ્તમાં કરાયો છે.

જ્યારે રૂ. ૬૦૦ કરોડના ખર્ચે આકાર પામી રહેલી વી.એસ. હોસ્પિટલ પરિસર માટે પ્રતિ નંગ રૂ. ૫૦.૨૬ લાખના ખર્ચે મુંબઈની એસ.એસ. ડિજિટેડ પ્રા. લિમિટેડ પાસેથી અલ્ટ્રા સોનોગ્રાફી એન્ડ કલર ડોપ્લર મશીન ખરીદાશે. રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગતની ગ્રાંટમાં રૂ. ૨.૦૧ કરોડના ખર્ચે આ ડોપ્લર મશીન ખરીદાશે.

આ ઉપરાંત આસ્ટોડિયા દરવાજા પાસેની ૪૦૮ ચોરસ મીટર જમીન ઓટોરિક્ષા ડ્રાઈવર કો.ઓ. સોસાયટીને ગત જૂન, ૧૯૭૯થી આપેલી હોય છે વખતોવખત લંબાવાયેલી મુદત ગત તા. ૩૧મે, ૨૦૧૮એ પૂર્ણ થતાં તેમાં વધુ એક વર્ષ લંબાવવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં મુકાઈ છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં કુલ ૪૮ પોલીસ સ્ટેશન છે. જેમાં વાડજ, બોડકદેવ, નિકોલ, વાસણા જેવા પોલીસ સ્ટેશનો ભાડાના બિલ્ડિંગમાં અથવા અન્ય પોલીસ સ્ટેશનોમાં ચાલી રહ્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ સ્ટેશનો પણ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં બનાવી દેવામાં આવ્યા છે.

You might also like